• Gujarati News
  • નરસિંહજીની પોળ પાસે દુકાનમાંથી ચોરી

નરસિંહજીની પોળ પાસે દુકાનમાંથી ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરસિંહજીનીપોળ પાસે બંધ દુકાનમાં તસ્કરે ત્રાટકી રોકડા રૂા. 40 થી 45 હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. વેપારીએ મોટાભાઇના વાલ્વના ઓપરેશન માટે એકત્રિત કરેલા નાણા ચોરી થઇ જતાં તેમને આઘાત લાગ્યો હતો. સિટી પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

શહેરના ઘડિયાળી પોળ સુલતાનપુરા ખાતે રહેતા દીપક ડાહ્યભાઇ શાહ નરસિંહજીની પોળ પાસે અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે. ગુરુવારે રાત્રે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતાં. મોડી રાત્રે અઢી વાગે વિસ્તારમાં રહેતા બે વ્યકિતએ દુકાનના દરવાજાનું તાળુ તૂટલું હોવાની જાણ કરતાં તેઓ તુરંત દોડી ગયા હતાં. તેમણે દુકાને જઇ તપાસ કરતાં દરવાજાનું તાળુ તૂટેલું હતું તેમજ સામાન વેરવિખેર પડ્યો હતો.

પતરાના ડબ્બામાં મુકેલા રોકડા રૂા. 40 થી 45 હજારની ચોરી થઇ ગઇ હતી. મોટાભાઇ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઇ ડાહ્યાભાઇ શાહનું 19મી ડિસેમ્બરે વાલ્વનું ઓપરેશન હોવાથી તેમણે નાણા એકત્રિત કર્યા હતાં. રૂપિયા ચોરી થઇ ગયા હતાં. વેપારીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.