• Gujarati News
  • 6 વર્ષથી અલગ રહેતા દંપતીનો મિલાપ

6 વર્ષથી અલગ રહેતા દંપતીનો મિલાપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15વર્ષના લગ્નજીવનમાં 8 વર્ષ સુધી પતિ- પત્ની એકમેક સાથે રહ્યા બાદ નજીવી બાબતે ખટરાગ થતાં લગ્નજીવન ભંગાણને આરે પહોંચી ગયું હતું.3 સંતાનોને મૂકીને મહિલાએ પિયરની વાટ પકડી લેતાં સંતાનો માતાના પ્રેમથી વંચિત રહી ગયાં હતાં.6 વર્ષથી પતિથી અલગ રહેનાર પત્ની માટે મહિલા સહાયતા કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યું છે. સંસ્થા અને ગોરવા પોલીસના માર્ગદર્શનથી દંપતીમાં ફરીવાર મિલાપ થઇ ગયો હતો. 6 વર્ષ માતાના પ્રેમથી ટળવળતાં સંતાનોને માતા-પિતાનાં પ્રેમ અને હૂંફ એકસાથે મળતાં તેઓ ભાવવિભોર થઇ ગયાં હતાં.

શહેરના કરોડિયા વિસ્તારમાં રહેતાં સૂરજ અને ગોરવાસ્થિત કવિતા ( બંનેનાં નામ બદલ્યા છે)નાં લગ્ન 15 વર્ષ પહેલાં રીતરિવાજ મુજબ થયાં હતાં. બંનેને લગ્નજીવનમાં 2 પુત્રો અને 1 પુત્રી મળી કુલ 3 સંતાનો છે. લગ્નજીવનનાં 8 વર્ષ સુધી બંનેની ગાડી પાટા પર ચાલી હતી પરંતુ નજીવી બાબતે બંને વચ્ચેનો ખટરાગ ચરમ સીમાએ પહોંચી ગયો હતો. આખરે કવિતાએ 6 વર્ષ પહેલાં ત્રણે સંતાનોને પતિને ત્યાં મૂકી પિયરની વાટ પકડી હતી. બંનેનું લગ્નજીવના ભંગાણના આરે પહોંચી ગયું.

દરમિયાન જેન્ડર રિસોર્સ સેન્ટર, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રમાં કવિતાએ ગત ડિસેમ્બર મહિનામાં અરજી કરતાં સંસ્થાના કાઉન્સિલર તુષાર પટેલ અને જિજ્ઞાશા પંડ્યાએ મહિલાના પતિ સૂરજને પત્ર લખી કાઉન્સેલિંગ માટે બોલાવ્યાં હતાં. બંનેને વ્યકિતગત અને ગ્રૂપમાં ચર્ચા કરી હતી. સૂરજને તેની જવાબદારી અને લગ્નજીવન શું છે તેની સમજ અાપી, મહિલાઓના કાયદા અને માનસન્માન અંગે પણ વાતચીત કરી હતી. કાઉન્સેલિંગના અંતે પતિ- પત્નીની સંમતિ અને વડીલોની હાજરીમાં સમાધાન થયું હતું. તાજેતરમાં ગોરવા પીઆઇ એમ.એમ.પુવારના સૂચન અને માગદર્શનમાં મહિલાને સાસરીમાં મોકલતાં સંતાનોનું માતા સાથે ભાવભર્યું મિલન થયું હતું.

સંસ્થામાં અરજી માટે શું કરવું ?

મહિલાઓપરથતા અત્યાચાર રોકવા તેમજ મહિલાઓને ન્યાય મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ તેમજ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જેન્ડર રિસોર્સ સેન્ટર, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મહિલા સહાયતા કેન્દ્ર છેલ્લા એક વર્ષથી ગોરવા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કરાયું છે. સંસ્થામાં અરજી કરવા માટે ગોરવા પોલીસ સ્ટેશન અથવા કાઉન્સિલર તુષાર પટેલ અને જિજ્ઞાસા પંડ્યા સાથે સંપર્ક કરી શકાય. શહેરભરમાંથી કોઇ પણ વ્યકિત સેન્ટરમાં અરજી કરી શકે છે.

કાઉન્સેલિંગ દ્વારા મતભેદ દૂર કરાવાય છે

^રાજ્યસરકારે નિયુક્ત કરેલી સંસ્થા પોલીસની સાથે રહીને કાર્ય કરે છે. ઘણીવાર નાની-નાની બાબતોમાં લગ્નજીવન ભંગાણના આરે પહોંચી જતાં હોઈ કાઉન્સેલિંગ દ્ધારા દંપતીના મતભેદ દૂર કરી તેમની વચ્ચે સમાધાન કરાવાય છે. 3-4 કેસમાં હકારાત્મક પ્રક્રિયા ચાલી રહી છે.> એમ.એમ.પુવાર, પીઆઇ, ગોરવા પોલીસ સ્ટેશન