• Gujarati News
  • ક્રાઇમ રિપોર્ટર . વડોદરા

ક્રાઇમ રિપોર્ટર . વડોદરા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર . વડોદરા

અલકાપુરીવિશ્વાસકોલોનીમાં શનિવારે મોડી રાત્રે મોપેડ ફૂલ સ્પીડમાં લઇ જતાં યુવકને ઠપકો આપવાના મુદ્દે ઝપાઝપી થઇ હતી. મોપેડ ચાલકે ટ્રાવેલ્સ સંચાલકના ગળા પર ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તનું ખાનગી હોસ્પિટલમાં રવિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોત્રી પોલીસે મહાવ્યથાનો ગુનો નોંધ્યો બાદ હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.

કારેલીબાગ પાણીની ટાંકી પાસેની ક્રિષ્ણા પાર્કમાં રહેતો નિસર્ગ નિલેશકુમાર શેઠ કન્સ્ટ્રક્ટશનનો વ્યવસાય કરે છે. શનિવારે રાત્રે 8 થી 9 વાગ્યાના સુમારે તેઓ મિત્રો અભિમન્યુ ઉર્ફે અભિ દિલીપભાઇ પટેલ, મયુર પટેલ અને પાર્થ વનુભાઇ પટેલ સાથે વિશ્વાસકોલોની શિવમ એપાર્ટમેન્ટ ખાતે અન્ય મિત્ર નવરોજ મુનસીના ઘરે ગયા હતાં. મિત્ર બહાર ગયો હોવાથી ચારે જણ તેના ઘરે બેસીને આઇપીએલ મેચ જોવા બેઠા હતાં. મોડી રાત્રે 1:30 થી 2 વાગ્યાના સુમારે ચારે મિત્રો ઘરે જવા નીકળ્યા હતાં. એપાર્ટમેન્ટમાંથી ઉતરીને તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ડીયો મોપેડ ચાલક તેમની નજીકથી ફૂલ સ્પીડમાં લઇ જતાં તેમણે બૂમ પાડી હતી.

મોપેડ ચાલકે ત્યાં બ્રેક મારી ઊભો રહી અપશબ્દો બોલતો હતો. તેને સમજાવવા જતાં આવેશમાં આવીને ચપ્પુ કાઢી અભિમન્યુ પર ઉગામ્યુ હતુ પરંતુ નિસર્ગે રોકી દીધી હતો. જોકે, પેશન બાઇક પર સવાર બે શખ્સો બાઇક લઇ ધસી આવી નિસર્ગને અટકાવ્યો હતો. એટલીવારમાં મોપેડ ચાલકે અભિમન્યુ સાથે ઝપાઝપી કરી અભિમન્યુના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું અને બીજો ઘા બરડાના પાછળના ભાગે ઝીંકી દીધો હતો. ત્રિપુટી વાહન લઇને ફરાર થઇ ગઇ હતી. અભિમન્યુની 14 કલાક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ રવિવારે બપોરે મોત નીપજ્યું હતું. ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા અભિમન્યુના મોતના પગલે પરિવારજનો અને મિત્રોમાં શોક વ્યાપી ગયો હતો. પીએસઆઇ પટેલે જણાવ્યું હતું કે, અભિમન્યુનું મોત નીપજતા હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. સીસીટીવીના ફૂટેજ તેમજ સ્થાનિકોની પૂછતાછ કરી હુમલાખોરોને શોધવાની કાર્યવાહી કરી છે.