સ્વ.લવકુમાર દેસાઈ પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક
પ્રેમાનંદસાહિત્ય સભા દ્વારા રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં લબ્ધપ્રતિષ્ઠિત નાટ્ય લેખક અને વિવેચક સ્વ.ડૉ.લવકુમાર દેસાઈને ‘પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક’નું સન્માન આપવામાં આવ્યું હતું. જોકે, સન્માન જાણીતા કવિ, નાટ્યકાર ડૉ.સિતાંશુ યશશ્ચંદ્રના હસ્તે તેમના પત્ની કાશ્મીરાબેન અને પુત્ર દર્શન દેસાઈએ સ્વીકાર્યું હતું. સ્વ.લવકુમારે પીંછી, કેનવાસ અને માણસ જેવી એકાંકી લખી છે. તેમણે વડોદરાની મોટાભાગની સાહિત્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે અને પ્રેમાનંદ સાહિત્ય સભામાં પણ મોટું યોગદાન આપ્યું છે.ડૉ.લવકુમાર દેસાઈનું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન રહ્યું હતું. પ્રસંગે ડૉ.મહેશ ચંપકલાલે ‘નાટ્યકાર ડૉ.લવકુમાર દેસાઈ’, ડૉ.ગુણવંત વ્યાસે ‘વિવેચક ડૉ.લવકુમાર દેસાઈ’ અને ડૉ.કાન્તિ માલસત્તારે ‘વિરલ વ્યક્તિત્વ ડૉ.લવકુમાર દેસાઈ’ વિશે વકતવ્યો આપ્યા હતા. પ્રસંગે સિતાંશુ યશશ્ચંદ્રએ કહ્યું હતું કે, ‘હું ગુજરાતી વિભાગમાં આવ્યો ત્યારથી હું તેમના પરિચયમાં હતો. અમને બંનેને નાટ્ય લેખન, વિવેચનમાં રસ હતો. વિદ્વાન નાટ્યકાર હતા. સ્પષ્ટવક્તા હતા. ટીકા કરે તો પણ મૃદુભાષી થઈને કરે.