વડોદરા સ્ટેશનેથી 8 મહિનામાં રૂપિયા 5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર)
 
અલ્કેશ વ્યાસ: વડોદરા: દેશની રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈને મુસાફરીની દ્રષ્ટીએ જોડતી રેલવે લાઈનનું સૌથી મહત્વનું જંક્શન વડોદરા રેલવે સ્ટેશન છે પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે, ઉત્તર ભારતથી લવાતા ચરસ, હેરોઈન અને મેથામ્ફેટામાઈન જેવા નાર્કોટિક્સ સબસ્ટન્સ અને ઓરિસ્સાથી મોટા પ્રમાણમાં દેશમાં ઘુસાડાતા ગાંજા જેવા માદક પદાર્થોની હેરાફેરી માટે પણ વડોદરા રેલવે સ્ટેશન મહત્વનું મથક બની ચુક્યુ છે. 

ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા આઠ મહિનાના ટૂંકા સમયગાળામાં ગુજરાત રેલવે પોલીસે અહીં નાર્કોટિક્સ (એનડીપીએસ)ના 18થી વધુ કેસો કર્યા છે. જેમાં પાંચ કરોડ રૂપિયાની કિંમતના માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે. વડોદરા રેલવે સ્ટેશને રોકાતી વિવિધ ટ્રેનોમાં દરોડા પાડીને પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે અત્યાર સુધી વિદેશી નાગરિકો અને ઉત્તર ભારતના ડ્રગ ડિલરો સહિત 25થી વધુ આરોપીઓ અને કેરિયરોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 

રેલવે પોલીસનું કહેવુ છે કે, સામાન્ય રીતે ઉત્તર ભારતના જમ્મુ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ચરસ, ગાંજો અને અફીણ જેવા માદક પદાર્થોની ટ્રેનોના મારફતે હેરાફેરી થતી હોય છે. જે દિલ્હીથી આવતી ટ્રેનોના મારફતે વડોદરા લવાય છે. જ્યારે ઓરિસ્સામાંથી ગાંજાનો મોટો જથ્થો ટ્રેનોના માધ્યમથી સુરત અને વડોદરા જેવા રેલવે સ્ટેશનો સુધી પહોંચાડવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસે વડોદરા રેલવે સ્ટેશને બાતમીદારોને એલર્ટ કરીને ઉપરાછાપરી રેડ કરીને માદક દ્રવ્યોનો કાળો કારોબાર કરતા ડ્રગ ડિલરોનો કરોડોનો માલ જપ્ત કર્યો છે. ઉપરાંત, તેમના અનુભવી કેરિયરોની પણ ધરપકડ કરીને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 

બાતમીદારો સક્રિય કરાતાં નશીલાં દ્રવ્યોનો જથ્થો ઝડપાયો
 
^ ગુજરાત રેલવે પોલીસે ટ્રેનોમાં ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ લાદવા માટે બાતમીદારોને સક્રિય કર્યા હતા. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા આઠ મહિનામાં પોલીસે સફળતાથી 18 કેસો કર્યા હતા. 
> શરદ સિંઘલ, પોલીસ અધિક્ષક, રેલવે

ઓરિસ્સાથી આવતી ટ્રેનોમાં વધુ ચેકિંગ હાથ ધરાય છે

^ હાલમાં ઓરિસ્સા અને દિલ્હીથી આવતી ટ્રેનોમાં વધુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. દિલ્હીથી આવતી ટ્રેનોમાંથી ચરસનો જથ્થો પકડાય છે જ્યારે ઓરિસ્સાની ટ્રેનોમાંથી ગાંજો ઝડપાય છે. 
> એસ.જે. રાજપૂત, એલસીબી, પીઆઈ

વડોદરા સ્ટેશન મહત્વનું કેમ ?

ભૌગોલિક દ્રષ્ટીએ વડોદરાનું સ્થાન દેશના રેલવે તંત્ર માટે જેટલુ મહત્વનુ છે તેટલુ જ માદક દ્રવ્યોનો વેપલો કરતા ડ્રગ ડિલરો માટે પણ ઈમ્પોર્ટન્ટ છે. દિલ્હીથી મુંબઈ સુધી ડ્રગની હેરાફેરી માટે વડોદરા જંક્શન આવવુ અનિવાર્ય છે. તેવી જ રીતે ગુજરાતમાં ડ્રગ સપ્લાય માટે પણ વડોદરા કેન્દ્ર બિંદુ છે. 
 
અન્ય સમાચારો પણ છે...