(તસવીર: રાજેન્દ્રસિંહ ચૂડાસમા, એસ.પી. રેલવે)
-પેસેન્જરોએ હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે નહી જવું પડે : હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી
વડોદરા:ટ્રેનમાં મુસાફરી કરતાં પેસેન્જરોની કિંમતી મતાની ચોરીઓ થવાના બનાવો સતત બનતા રહે છે. આ ઉપરાંત છેડતી કે, પછી બળજબરીથી પેસેન્જરોને તેમની સીટ પરથી ઉઠાડી મુકવા સહિતના કિસ્સાઓ પણ વારંવાર બને છે. ટ્રેનમાં બનતી ગુનાખોરીના બનાવમાં પેસેન્જરો મોટાભાગે ટ્રેન જતી રહેવાના ડરથી ફરિયાદ આપવાનું ટાળતાં હોય છે.
આ બાબતને ધ્યાનમાં રાખી રેલવે એસ.પી.એ તાજેતરમાં એક પરિપત્ર કરીને ચાલુ ટ્રેનમાં બનતા કોઇ પણ પ્રકારના ગુનાઓમાં પેસેન્જર હેલ્પલાઇન પર કે, કંન્ટ્રોલ રૂમમાં બનાવની જાણ કરે એટલું તુરંત નજીકના રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફે ટ્રેનમાં પહોંચીને પેસેન્જરની ફરિયાદ લેવાની રહેશે તેવો આદેશ કરતાં પેસેન્જરો માટે આ બાબત ભારે રાહન આપનારી સાબિત થશે.
રેલવે એસ.પી. રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં ચોરીઓના બનાવ વારંવાર બનતા હોવાના કારણે પેટ્રોલિંગ અને ચેકિંગ તો વધારવામાં આવ્યું છે પરંતુ સાથે સાથે જો ચોરી સહિતના કોઇ પણ પ્રકારના બનાવ બને તો તેમને તુરંત રેલવે પોલીસની મદદ મળી રહે તે માટેની હેલ્પ લાઇન પણ શરૂ કરવામાં આવી છે. 1512 નંબર ડાયલ કરતાં જ જે તે વ્યક્તિ રેલવે પોલીસનો સંપર્ક સાધી શકશે અને તેઓ બનાવની જાણ રેલવે પોલીસને કરી શકશે.
ચોરી સહિતના કોઇ પણ પ્રકારના બનાવની જાણ થતાં જ નજીકના રેલવે પોલીસ સ્ટેશનના જવાનો ટ્રેનમાં જશે અને પેસેન્જરની ફરિયાદ લશે. સામાન્ય રીતે પેસેન્જરોએ અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે જવું પડતું હતું અને તેના કારણે તેમને ટ્રેન જવા દેવી પડતી અને ત્યાર બાદ જે તે સ્ટેશને પહોંચવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આ મુશ્કેલીમાંથી તેમને રાહત મળે અને પોલીસની મદદ તુરંત મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો અમલ શરૂ થઇ ગયો છે. તેમણે રેલવેમાં ચોરીઓના ગુનાઓ અટકે તેમજ જગ્યા માટે દાદાગીરી કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટેની પણ સુચનાઓ અપાઇ છે.
અધિકારીઓ રાત્રે હાજર રહેશે
ટ્રેનમાં રાતના સમયે વધુ ગુનાઓ બનતા હોવાથી રેલવે એસ.પી.એ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો પણ આદેશ કર્યો છે. માત્ર પોલીસ સ્ટેશનમાં જ નહી પરંતુ પેસેન્જર ટ્રેનમાં ચેકિંગ કરવાની સૂચના આપી છે.
TT કે RPFને પણ ફરિયાદ કરી શકાય
ટ્રેનમાં મુસાફરી કરતાં પેસેન્જરો હેલ્પ લાઇન પર ફોન કરી પોલીસની મદદ મેળવી શકે છે. આ ઉપરાંત ચોરી સહિતના બનાવ બને તે સમયે તેઓ ટી.ટી. પાસેથી ફરિયાદનું ફોર્મ મેળવીને કે આર.પી.એફ.ના જવાનોને પણ ફરિયાદ આપી શકે છે. - રાજેન્દ્રસિંહ ચૂડાસમા, એસ.પી. રેલવે