વડોદરા: મકરપુરામાં રહેતા શખ્સ અને તેના પાડોશીને તેની સગી ભાણી અને બનેવીએ જ રૂ.6.97 લાખના દાગીના સગેવગે કરી દીધા હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતાં પોલીસે બનેવીની ધરપકડ કરી હતી, જ્યારે ભાણી હજુ પણ ફરાર છે.
રૂ.1,05,000 ને લાલ કપડામાં વીંટાળી માળિયા પર મૂકી દો
મકરપુરા પોલીસ સ્ટેશનમાં નીતિન રમેશચન્દ્ર ચોગલેએ તેના બનેવી કિરણ દત્તાત્રેય વિરગાંવકર તથા કિરણની સગીર પુત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ કિરણ અને તેની પુત્રીએ જણાવ્યું હતું કે કિરણની પુત્રીના શરીરમાં ગુરુજી આવતા હોવાથી તથા ભગવાનની અપાર કૃપા હોવાનું જણાવીને તમારા ઘરમાં જેટલા પણ સોનાચાંદીના દાગીના છે તે ધોઇ નાંખો અને અમે કહીએ ત્યાં મૂકી દો. ત્યાર બાદ થોડા દાગીના ગાયબ થયેલા જણાતાં બંનેએ જણાવ્યું હતું કે ગુરુજીએ જણાવ્યું છે કે બચેલા દાગીના ધોઇને કૂકરમાં મૂકી ઘરના માળિયા પર મૂકી દો. જે ગાયબ થયેલા દાગીના છે તે મૂકી જશે કે આપી જશે. ત્યાર બાદ નિતીનની ભાણી અને બનેવીએ રૂ.1,05,000 માંગ્યા હતા અને લાલ કપડામાં વીંટાળી માળિયા પર મૂકી દો.
સોનાના દાગીના અને રોકડ રકમ 21 દિવસ પછી ત્યાંથી બહાર કાઢવા જણાવાયું
અઠવાડિયા બાદ ફરીથી 60,000 રૂપિયા લાલ કપડામાં બાંધીને મૂકી દેવા જણાવ્યું હતું. સોનાના દાગીના અને રોકડ રકમ 21 દિવસ પછી ત્યાંથી બહાર કાઢવા જણાવાયું હતું. નીતિન અને તેનો પરિવાર મહારાષ્ટ્રમાં દર્શન કરવા અને ફરવા ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ કિરણ અને તેની પુત્રીએ જણાવ્યુ હતું કે તમે તમારા ઘરમાં રહેશો નહીં. કિરણ અને તેની પુત્રી ત્યાર બાદ નીતિનના પાડોશી રમેશ તાંદળેને પણ દાગીના ડબ્બામાં મુકાવ્યા હતા. રમેશ તાંદળેને દત્તબાવનીના પાઠ કરવા જણાવીને પિતાપુત્રીએ ઘરેણાંનો ડબ્બો આપી 48 દિવસ બાદ ખોલવા જણાવ્યું હતું. જો કે ત્યાર બાદ કિરણે તેના સાળા નીતિનને ઘેર જવા દીધો ન હતો અને ઘરની ચાવી પણ આપતો ન હતો આથી નીતિનને શંકા ગઇ હતી અને જબરદસ્તીથી ઘરની ચાવી ઝુંટવી ઘરે આવીને તપાસ કરતાં તેના દાગીના ન મળી આવતા પિતાપુત્રી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કિરણની ધરપકડ કરી હતી.
સગીર ભાણી રહસ્યમય રીતે અદૃશ્ય
પોલીસે કિરણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પણ કિરણની સગીર પુત્રી હજુ પણ રહસ્યમય રીતે ફરાર છે. પોલીસે કિરણની સગીર પુત્રીની પણ શોધખોળ શરૂ કરી છે. આ કિશોરી એમએસયુની વિદ્યાર્થિની છે, જ્યારે કિરણને એક 12 વર્ષનો પુત્ર પણ છે.