તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા: 3નો ભોગ લેવાયા પછી પાલિકા જાગી, હવેથી ઢોરો માટે લાઈસન્સ ફરજિયાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરમાં રખડતા ઢોરે ત્રણ વ્યકિતનો ભોગ લીધા બાદ સેવાસદનનુ તંત્ર ઉંઘમાંથી સફાળુ જાગ્યુ છે અને દસ વર્ષ બાદ ગોપાલકો માટે પશુ લાઇસન્સ રાખવાનુ ફરજિયાત કરવાની ફરજ પડી છે. શુક્રવારથી પોલીસ અને એસઆરપી કંપનીની કુલ નવ ટીમ સાથે રાખી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ વેગીલી બનાવવાનો નિર્ણય લેવાયો છે.

સેવાસદનનુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું

શહેરમાં છેલ્લા દસ દિવસમાં રખડતા ઢોરોએ અડફેટમાં લેતા ત્રણ નાગરિકોના મૃત્યુ નિપજયા હતા. આ ઘટના બાદ સેવાસદનનુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતુ. શહેરમાં રખડતા ઢોરોના કારણે અકસ્માતો, ગંદકી અને ત્રાસ દિવસે દિવસે વકરતાં આખરે સરકીટ હાઉસ ખાતે મેયર ભરત ડાંગરની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર યોગેશ પટેલ(મુક્તિ), સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.જિગીષા શેઠ, મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ, પોલીસ કમિશનર ઇ.રાધાકૃષ્ણન્, ડેપ્યુટી મ્યુ.કમિશનર(હેલ્થ) પંકજ ઔંધિયા તેમજ અન્ય અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી.

10 વર્ષ બાદ ગોપાલકો માટે પશુઓની નોંધણી સેવાસદને ફરજિયાત

જેમાં ઢોર પકડવાની હાલની કામગીરીને વધુ વેગવાન,અસરકારક તેમજ રાતે પણ સતત અમલમાં મૂકવાનુ નક્કી કરાયુંં હતું. સેવાસદનની હાલની ઢોર પકડવાની ઝુંબેશમાં હવે ખાનગી પ્લોટસ,ખુલ્લી જગાઓને પણ આવરી લેવાશે અને આ કામગીરીમાં પોલીસ ફોર્સની સાથોસાથ એસઆરપી કંપનીના કુલ નવ સેકશન(એક સેકશનમાં 8 જવાન)ને પણ સામેલ કરાશે. 10 વર્ષ બાદ ગોપાલકો માટે પશુઓની નોંધણી સેવાસદને ફરજિયાત રાખી છે અને તેના કારણે હવે જે ગોપાલકો ઢોરો રાખે છે તેઓએ તેમની નજીકની વોર્ડ કચેરીમાં ઢોરો બાબતોની તમામ વિગતો રજૂ કરીને નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણી થયેથી પંદર દિવસમાં વોર્ડ કચેરીમાંથી ઢોર બાબતનુ લાઇસન્સ મેળવી લેવાનું રહેશે.

ગોરવા સહિત 3 સ્થળે નવા ઢોરવાડા બનશે
વડોદરા .સેવાસદન અને પોલીસ તંત્ર વચ્ચેની સંયુકત બેઠકમાં રખડતા ઢોરો માટે નવા ઢોરવાડા શરૂ કરવાની વિચારણા પર ભાર મૂકવામાં આવ્યો હતો.લાલબાગ અને ખાસવાડી ઢોરવાડાની ક્ષમતા સિમીત હોવાથી સેવાસદને ગોરવા અને આજવા વાઘોડિયા રોડ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં નવીન ઢોરવાડા શરૂ કરી શકાય તે માટે આગામી દિવસોમાં દરખાસ્ત તૈયાર કરાશે. ઢોરો છુટા મૂકનાર સામે જે તે પોલીસ સ્ટેશન દ્વારા કસૂરદાર ગોપાલકની ધરપકડ કરી તેમની સામે ફોજદારી કાર્યવાહીની સાથે દંડ વસૂલ કરાશે.

ઢોર નોંધણી માટેની શરતો શું?

દસ વર્ષ પહેલા શહેરમાં ઢોરો માટેની નોંધણી પ્રક્રિયા સેવાસદને અભરાઇએ ચડાવી દીધી હતી. જોકે, ત્રણ નાગરિકોના ભોગ લીધા બાદ સેવાસદને પુન: લાયસન્સ પ્રથા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આવી નોંધણીમાં સેવાસદને ચોક્કસ શરતોનો ઉલ્લેખ કરેલો છે તેની ઝલક નીચે મુજબ છે.
- તબેલામાં ઢોરોના છાણ મૂત્ર નીકળે તો પશુપાલકોએ તેનો નિકાલ સેવાસદન બતાવે તે જગાએ કરવાનો રહેશે
- ઢોરવાડાના માલિકે તબેલાની આજુબાજુના રહીશોને હેરાનગતિ કે ત્રાસ કે ના થાય તેમજ દુર્ગંધ ન ફેલાય તે રીતે રોજેરોજ તબેલો સ્વચ્છ રાખવાનો રહેશે
- તબેલામાં ગંદકી ન થાય તેની કાળજી રાખી સ્વચ્છતા કાયમી ધોરણે કરવી પડશે
- તબેલામાં પશુપાલકોએ નિયમિતપણે જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડશે
- તબેલામાં માંદા પશુઓ રાખી શકાશે નહીં
- તબેલામાં ઢોરને બેસી અને સુઇ શકે તેટલી જગા રાખવાની રહેશે
- પશુપાલકોએ ઢોરો માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા રાખવાની રહેશે

15 દિવસમાં લાઇસન્સ ન લે તો કાર્યવાહી

રખડતા ઢોરોના કારણે થઇ રહેલા અકસ્માત,મૃત્યુ જેવી ગંભીર સમસ્યાને લક્ષમાં રાખી જાહેરનામુ ઇસ્યુ કર્યુ છે. જે મુજબ જીપીએમસી એક્ટની કલમ 376(સી)-(1)(2)(3)(4) અને તે હેઠળની જોગવાઇ મુજબ પશુપાલકો-ગોપાલકોએ પંદર દિવસમાં લાયસન્સ લેવાનુ રહેશે અને આ સમયમર્યાદામાં લાયસન્સ નહીં મેળવાય તો તેવા પશુપાલકો-ગોપાલકોની સામે જીપીએમસી એક્ટ 377 હેઠળ ઢોરોને છુટા મૂકવા પર પ્રતિબંધ અને કલમ 376(અે) હેઠળ ઢોરોના ઉપદ્રવ-દુષણની બાબતો ઉપરાંત કેટલ ટ્રેસપાસ એકટ 1871 હેઠળ પગલાં ભરાશે. - ડો.વિનોદ રાવ, મ્યુ.કમિશનર

ઢોરવાડાના ખુલ્લા પ્લોટને ફેન્સિંગ કરી બોર્ડ મૂકવું પડશે

જે ગોપાલકો તેઓના ઢોરને ખુલ્લા પ્લોટમાં રખડતા કે છુટા મૂકી દે છે અથવા તો આસપાસની ખુલ્લી જગાઓનો અનધિકૃત રીતે ઉપયોગ તેમના અંગત ઢોરવાડા તરીકે ઉપયોગ કરી રહ્યા છે તેવા તમામ ગોપાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાનુ ફરમાન જારી કરવામાં આવ્યું છે. જેમાં જે તે પોલીસ સ્ટેશન દ્વારા કસૂરદાર ગોપાલકની ધરપકડ કરી તેમની સામે ફોજદારી કાર્યવાહીની સાથોસાથ ઉંચા દરે દંડ વસૂલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે . આ ઉપરાંત જે ગોપાલકો પાસે પોતાની માલિકીની ખુલ્લી જગા હોવા છતાં તે સ્થળે તેમના ઢોરોની વ્યવસ્થિત રીતે દેખરેખ અને સ્વચ્છતા જાળવતા નથી તેઓને પણ આવી જગાએ સુરક્ષિત ફેન્સીંગ કરી ત્યાં બોર્ડ મૂકવાનુ રહેશે અન્યથા તેમની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ સૂચના આપ્યા બાદ આખરે પાલિકા હરકતમાં આવી

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગણેશોત્સવમાં વડોદરા આવ્યા હતા ત્યારે રખડતા ઢોરોના કારણે નાગરિકોના થતા મૃત્યુના બનાવો અંગે તેમણે ચિંતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રખડતા ઢોરો મામલે કાર્યવાહી કરવા માટે વહીવટીતંત્રને પગલાં ભરવા માટે ખાસ ટકોર કરી હતી અ્ને આ સૂચના બાદ વહીવટીતંત્ર એકશન લેવા માટે હરકત આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...