વડોદરા: બોર્ડ પરીક્ષા ટાણે 'સિદ્ધિ કરેલી પેન'નું ગતકડું, નાપાસ થાય તો રકમ પરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
 
વડોદરા: સિદ્ધ કરેલ પેન સેટથી પરીક્ષા આપનાર વિદ્યાર્થી પાસ ના થાય તો પેનસેટના રૂપિયા પાછા આપવાના દાવા સાથે દુષ્યંત બાપજી મહારાજની ફરતી થયેલી પત્રિકાના પગલે ચકચાર મચી જવા પામી છે. હાલોલ અને વડોદરાનાં બે ધામના ઉલ્લેખ સાથે ત્રણ મોબાઇલ નંબરો પણ આપવામાં આવ્યા છે. જેમાંથી એક પણ નંબરનો સંપર્ક થઇ શકયો ના હતો.હાલોલ અને વડોદરાનાં બે મંદિરોના ઉલ્લેખ સાથે હનુમંત સરસ્વતી યજ્ઞ દ્વારા દુષ્યંત બાપજી મહારાજની વિદ્યાર્થીઓ માટે સિદ્ધ કરેલ પેનસેટની પત્રિકા ફરતી થઇ હતી. 
 
નાપાસ થાય તો પૂરેપૂરી રકમ પરત આપવાની ગેરંટી
 
પેનસેટની કિંમત 1900 રૂપિયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિદ્ધ પેનસેટ ખરીદનાર વિદ્યાર્થી જો નાપાસ થાય તો પૂરેપૂરી રકમ પરત આપવાની ગેરંટી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત પેનસેટ લેવા આવનાર પાસે મોબાઇલ નંબર,પરીક્ષાની રિસીપ્ટ,હોલ ટિકિટની ઝેરોક્ષ,કોલેજનું આઇડી આપવું પડશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સિદ્ધ કરેલા પેનસેટથી વિદ્યાર્થીઓને પાસ કરવાની પત્રિકાના પગલે વિવાદ ઉભો થયો છે અને શિક્ષણવિદોમાં પણ આ મુદો ચર્ચાની એરણે ચઢ્યો છે. કોઇ પણ જાદુઇ પેન જેવું કશું હોતું નથી. દુષ્યંત બાપજીના નામથી બહાર પડેલી પત્રિકાના પગલે સિદ્ધ કરેલ પેનસેટ લોક ચર્ચાનો વિષય બન્યો છે. 1900 રૂપિયાનો પેનસેટ માત્ર રૂપિયા કમાવવાનો ધંધો હોવાનું જણાવા મળ્યું છે. આ અંધશ્રદ્ધાનો કેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભોગ બન્યા ? 
 
ત્રણેય મોબાઇલ નંબર સ્વિચ ઓફ આવ્યા
 
પત્રિકામાં છાપવામાં આવેલા ત્રણેય મોબાઇલ નંબર પર આજે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવતાં મોબાઇલ નંબરો સ્વિચ ઓફ આવતા હતા. મોબાઇલ નંબર પર કોઇ સંપર્ક થઇ શકયો ન હતો.
 
આવી કોઇ પેન વેચતો નથી તેવો જવાબ મળ્યો  
 
પત્રિકા વાંચ્યા બાદ તેની ખરાઇ કરવા માટે તેમાં આપેલા નંબર પર ગઇકાલે  ફોન કર્યો હતો. સામેથી ફોન ઉઠાવનારે મને જણાવ્યું હતું કે હું આવી કોઇ પેન વેચતો નથી અને મને બદનામ કરવા માટે આ પ્રકારની પત્રિકા બહાર ફરતી કરવામાં આવી છે. - રાકેશ,  વાલી (નામ બદલ્યું છે)
અન્ય સમાચારો પણ છે...