વડોદરા: આગામી 3 દિવસ સુધી હજુ વરસાદની આગાહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 4 દિવસમાં 5 ઇંચ વરસાદ નોંધાયો
- શહેરમાં બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ યથાવત્
વડોદરા: વડોદરા શહેરમાં સોમવારે સતત બીજા દિવસે સવારથી જ ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં વાતાવરણ ઠંડુગાર બનતાં ગરમીનો પારો ગગડીને 26.7 ડિગ્રી થયો હતો. વરસતા વરસાદ વચ્ચે શહેરના જનજીવનને આંશિક અસર થઇ હતી. સોમવારે દિવસભર સમયાંતરે વરસાદી ઝાપટાં ચાલુ રહેતાં 20 મિ.મી.વરસાદ નોંધાયો હતો. જ્યારે શુક્રવાર રાતથી સોમવાર રાત સુધીમાં શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના આંકડા પ્રાપ્ત થયા છે. આવતીકાલે મંગળવાર સહિત 3 દિવસ સુધી શહેરમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. દરમિયાન સોમવારે સવારથી પણ શહેરમાં ધીમીધારનો વરસાદ ચાલુ રહ્યો હતો. દિવસભર કાળાડિબાંગ વાદળો છવાયેલા રહેવા સાથે સમયાંતરે વરસાદી ઝાપટાં વરસતાં રાહદારીઓ-વાહનચાલકોની હાલત કફોડી બની હતી.
શહેરમાં 6 સ્થળે તોતિંગ વૃક્ષો ધરાશાયી
શહેરમાં વરસતા વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થવાના 6 બનાવો બન્યા હતા. સવારે 9 વાગે પ્રતાપગંજ રોઝરી સ્કૂલ પાસે વૃક્ષ ધરાશાયી થતાં ત્યાંથી પસાર થઇ રહેલા કાર ચાલકે અચાનક વાળી દેતાં આબાદ બચાવ થયો હતો. વડીવાડી સીએનજી પંપ પાસે સવારે 9:45 કલાકે, 11:30 કલાકે વાઘોડિયા ટી.પી. રોડ ખાતે, બપોરે 3 કલાકે માંજલપુર સ્મશાન પાસે, બપોરે 4:30 કલાકે આકાશવાણીની પાછળ ગુલમહોરનું વૃક્ષ, 4.10 કલાકે અલકાપુરી પનવીલા સોસાયટી પાસે વૃક્ષ ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. શહેર ફાયરબ્રિગેડના જવાનોએ તમામ વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તાને ખુલ્લો કર્યાં હતાં. સદ્નસીબે તમામ બનાવોમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
અન્ય સમાચારો પણ છે...