ફૈયાઝ ખાન જેવો સંગીતનો બાદશાહ 100 વર્ષમાં થયો નથી: અમજદઅલી ખાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આફતાબ-એ-મૌસીકી ફૈયાઝ ખાનની દરગાહ પર અમજદઅલી ખાન)
 
વડોદરા: સયાજીરાવ જન્મજયંતી નિમિત્તે વડોદરા ખાતે કાર્યક્રમમાં આવેલા સરોદ વાદક પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદઅલી ખાને શનિવારે આફતાબ-એ-મૌસીકી વડોદરાના રાજ ગાયક ઉ.ફૈયાઝ ખાનની મજારની મુલાકાત લીધી હતી. ફૈયાઝ ખાન જેવો સંગીતનો બાદશાહ 100 વર્ષમાં થયો નથી તેમ બોલીને તેઓ ગળગળા થઇ ગયા હતા.
 
વિદ્યાર્થીઓએ પારંપારિક બંદીશો રજૂ કરી
 
આફતાબ-એ-મૌસીકી ફૈયાઝ ખાનની દરગાહ પર અમજદઅલી ખાને જણાવ્યું હતું કે, ગુરુએ શિખવાડ્યું હોય તેવું જ ગાવાની જગ્યાએ ફૈયાઝ ખાન અલગ અને ચમત્કારિક રીતે ગાતા હતા. તેમનામાં શ્રોતાની નાડ પારખવાની શક્તિ હતી. જ્યારે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના અધ્યાપક રાજેશ કેલકર તથા વિદ્યાર્થીઓએ  ઉસ્તાદ અમજદઅલી ખાનને તાનસેનના સમકાલીન આગ્રા ઘરાનાના ઉ.હાજી સુજાન ખાન રચિત રાગ ભૈરવની બે બંદીશો “અલ્લા હો અલ્લા” અને “તૂ અબ યાદ કર લે” સંભ‌ાળાવતાં તેઓ ગદ્ગદિત થઇ ગયા હતા.
 
જ્યારે ત્યારબાદ તેમણે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની મુલાકાત લીધી હતી. જેમાં શિક્ષકો સાથે અલાયદી મુલાકાત કર્યા બાદ વિદ્યાર્થીઓ સાથે પણ એક કલાક જેટલી વાતો કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, ગુફામાં જતાં પ્રકાશ મળશે કે નહીં તેની ખબર હોતી નથી તેવું જ સંગીતની સાધનાનું છે. પરંતુ જો ભરપૂર સાધના કરશો તો તમને ચોક્કસ પ્રકાશ દેખાશે.
અન્ય સમાચારો પણ છે...