- ભાયલી બાદ બીલ અને સમા રોડ પર નેતાઓ માટે નો-એન્ટ્રીના બેનર લાગ્યાં
- અનામત ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા પાટીદારોનો નિર્ધાર
- સરકાર નિર્ણય ન લે તો ગામે ગામ બેનરો લગાવાશે
વડોદરા: પાટીદાર અનામત આંદોલન ગામેગામ પ્રસરી રહ્યું છે. અમદાવાદમાં પાટીદારો પર થયેલા અત્યાચારના વિરોધમાં રાજ્યમાં પાટીદાર બહુમતીવાળાં ગામોમાં રાજકીય નેતાઓને વોટ માંગવા પ્રવેશ કરવો નહીં તેવાં લખાણવાળા બેનર લગાવાઇ રહ્યા છે. જે અંતર્ગત ભાયલી બાદ બીલ ગામ અને શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં રાજકીય નેતાઓ માટે નો-એન્ટ્રીના બેનર લગાવાયા છે. જેના પગલે દિવસે દિવસે પાટીદાર આંદોલન ઉગ્ર બની રહ્યું હોય તેવો માહોલ સર્જાઇ રહ્યો છે.
વડોદરા પાસે આવેલા ભાયલી ગામમાં મંગળવારે પાટીદારો દ્વારા ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઇપણ રાજકીય પક્ષના નેતાઓ કે કાર્યકર્તાઓએ મતની માંગણી કે અન્ય અપીલ કરવા માટે પ્રવેશ કરવો નહીં અને પ્રવેશ કરશો તો કોઇપણ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રવેશ કરનારની રહેશે’ આવા લખાણવાળા બેનર લગાવાતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. ત્યારબાદ હવે ભાયલી ગામની નજીકમાં જ આવેલા બીલ ગામના પ્રવેશદ્વાર ઉપર પણ ગામના પાટીદાર સમાજ દ્વારા રાજકીય આગેવાનોને મત માંગવા માટે પ્રવેશ નહીં કરવાની મનાઇ ફરમાવતા બેનર ગુરુવારે લગાવેલા છે. બીલ ગામના પાટીદારોએ જણાવ્યું હતું કે, પાટીદારોને જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલતી રહેશે.પાટીદાર સમાજ દ્વારા ગામેગામ રાજકીય પક્ષોને ગામમાં પ્રવેશતાં અટકાવવાનાં બેનર લગાવી વિરોધ કાર્યક્રમ ચાલુ રાખાશે.