• Gujarati News
  • Municipal Commissioner Slaps Shop Keeper At Vadodara

વડોદરા: કચરો નહીં હટાવનાર દુકાનદારને મ્યુ. કમિશનર એચ.એસ.પટેલે લાફો માર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરના મુખ્યમાર્ગો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સેવાસદન દ્વારા આકરી ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત સોમવારે નિઝામપુરા વિસ્તારમાં રાઉન્ડમાં નીકળેલા મ્યુ.કમિશનર એચ.એસ.પટેલે દુકાનની બહાર પડેલો કચરો ઉપાડવાનું દુકાનદારને કહ્યા પછી પણ તેને કચરો નહી હટાવતાં મ્યુ.કમિશનરે દુકાનદારને લાફો ઝીંકી દેતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.મ્યુ.કમિશનર એચ.એસ.પટેલ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક મુલાકાત લઇને સ્વચ્છતા બાબતે નિરીક્ષણ કરે છે.
અગાઉ તેમણે નવા બજાર-ચાર દરવાજા વિસ્તારોમાં કચરો દૂર કરવા માટે દુકાનદારોને ફરજ પાડી હતી. સ્વચ્છતા કામગીરીના નિરીક્ષણ અંતર્ગત તેઓ નિઝામપુરા વિસ્તારમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. આ દરમિયાન બેકરીની દુકાનની બહાર કચરો પડ્યો હોવાનું જોવા મળતાં દુકાનદારને કચરો ઉપાડી લેવા જણાવ્યું હતું. આ વેળા રકઝક-બોલાચાલી થતાં મ્યુ.કમિશનરે દુકાનદારને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ તેઓ ઘટના સ્થળેથી રવાના થઇ ગયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળાં એકત્ર થતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
આ ઘટનાના પગલે નવનિયુક્ત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અમી રાવતની આગેવાનીમાં મહિલા કોંગી આગેવાનોનો મોરચો સેવાસદનમાં આવ્યો હતો.મ્યુ.કમિશનરે જાહેરમાં દુકાનદારની માફી માંગવી જોઇએ તેવી દૃઢ માંગ કરતા અમી રાવતે જણાવ્યું હતું કે,શહેરમાં રોજનો 750 મેટ્રિક ટન કચરો પેદા થાય છે અને સેવાસદનના રિપોર્ટ મુજબ 484 મેટ્રિક ટન કચરો ઉપાડે છે.
ઘનકચરાના નિકાલ માટે અટલાદરા ખાતે 300 મે.ટન કચરો પ્રોસેસ કરતો પ્લાન્ટ બંધ છે તો જાંબુવામાં પણ લેન્ડ ફીલ સાઇટ બંધ છે. આ સંજોગોમાં, જયાં કચરો નાંખવાની મનાઇ છે તેવી લેન્ડફીલ સાઇટ, તળાવો, નદીઓમાં કચરો ઠલવાય છે તેવો ખુલ્લો આક્ષેપ કરી તેમણે મ્યુ.કમિશનરે લાફો કોન્ટ્રાકટરો અને સેવાસદનના અધિકારીઓને મારવો જોઇએ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.
‘હા... ગુસ્સો આવતાં લાફો માર્યો’

બેકરી બહાર કચરો પડેલો જોતાં દુકાનદારને કચરો દૂર કરવાનું કહ્યું હતું. પરંતુ તેણે કચરો મારો નથી, બીજાનો છે તેમ કહ્યું હતું. કચરો નહીં હટાવતાં મને ગુસ્સો આવ્યો અને દુકાનદારને લાફો ઝીંકી દીધો હતો. > એચ.એસ. પટેલ, મ્યુ.કમિશનર