• Gujarati News
  • Monitoring Committee Will Be Made As City Level For Make Vadodar Smart City

વિકાસની હરણફાળ અંતિમ ભાગ: સિટી લેવલે મોનિટરિંગ કમિટિ બનાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર પ્રોજેક્ટના સંચાલન માટે ત્રિસ્તરીય કમિટિની રચના સિટી લેવલે મોનિટરિંગ કમિટિ બનાવાશે
- કમિટીમાં મેયર, સાંસદ, ધારાસભ્યોને સમાવાશે
- નેશનલ મિશન ડાયરેક્ટોરેટ પણ િનમાશે
- કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે સંકલન કરાશે
દેશનાં 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવા માટેની પ્રક્રિયામાં વહીવટી બાબત અને અમલીકરણમાં કોઈ સરકારી વિઘ્ન ઊભું ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રિસ્તરીય સમિતિ બનાવી તમામ જવાબદારી તેને સુપરત કરાઇ છે. જેમાં કેન્દ્રીય સ્તરે, રાજ્ય સ્તરે અને શહેર સ્તરે કમિટિ બનાવવાનો આદેશ કર્યો છે. આ કમિટિ તમામ મહત્ત્વના નિર્ણય લેશે .
વડોદરા: કેન્દ્ર સરકારની યોજનાના અમલીકરણમાં મોટી સમસ્યા ઊભી થતી હોય છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વચ્ચેના સંકલનના અભાવ તેમજ કાયદાકીય અધિકારોના ટકરાવને લઈ અનેક પ્રોજેક્ટ ઘોંચમાં પડી જતાં હોય છે. પરંતુ સ્માર્ટ સિટીના મિશનમાં આવી કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે કેન્દ્ર સરકારે સમગ્ર પ્રોજેક્ટના સંચાલન માટે ત્રિસ્તરીય કમિટિની રચના કરવાનું આયોજન કર્યું છે.
જે અંતર્ગત વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સિટી લેવલ મોનિટરિંગ કમિટિ કે જેને સ્માર્ટ સિટી એડવાઇઝરી ફોરમ તરીકે પણ ઓળખાશે તેની રચના કરવામાં આવશે. જેમાં મેયર, સાંસદ, ધારાસભ્યો ઉપરાંત ખાનગી સંસ્થાના પ્રતિનિધિને પણ સ્થાન આપવામાં આવશે. આ રીતે રાજ્ય સ્તરે ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક હાઈપાવર સ્ટીયરિંગ કમિટિ તો કેન્દ્રીય સ્તરે હાઈપાવર એપેક્ષ કમિટિ અને નેશનલ મિશન ડાયરેક્ટોરેટની પણ રચના કરવામાં આવશે.
શું હશે સ્માર્ટ સિટી એડવાઇઝરી ફોરમની કામગીરી?
શહેરી સ્તરે કાર્યરત થનાર સ્માર્ટ સિટી એડવાઇઝરી ફોરમમાં શહેરને વર્તમાન સ્થિતિમાંથી સ્માર્ટ સિટી તરફ કેવી રીતે લઈ જવું. આ માટે કેવા વિકલ્પોનું આયોજન કરવું. દરેક વિકલ્પમાં કોની મદદ લેવી. સ્માર્ટ સિટી માટે કાર્યરત રાજ્ય સરકાર અને સેવાસદનની સંયુક્ત ખાનગી લિમિટેડ કંપની દ્વારા થનાર કામગીરીનું મોનિટરિંગ કરવું. આ માટે જરૂર પડે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને તેની જાણ કરવી. પ્રોજેક્ટ શરૂ કરવા માટે કે શરૂ થયા બાદ તેમાં જરૂરી સુધારા કરવા માટે સૂચનો કરવાં. આમ સ્માર્ટ સિટી કેવી હશે અને તેના લાભ શું હશે તે માટે સ્માર્ટ સિટી એડ્વાઇઝરી ફોરમની કામગીરી મહત્ત્વની રહેશે.
શું હશે સ્ટેટ લેવલ હાઈપાવર કમિટિની કામગીરી?
સ્ટેટ લેવલ હાઈપાવર કમિટિ શહેરી સ્તરે કાર્યરત સ્માર્ટ સિટી એડ્વાઇઝરી ફોરમ એટલે કે સિટી લેવલ મોનિટરિંગ કમિટિના નિર્ણયને રિવ્યૂમાં લેવાની સત્તા ધરાવશે. આ હાઈપાવર કમિટિ દરેક શહેરે મોકલેલા સ્માર્ટ સિટી પ્લાનમાં કેવા અને કેટલા સુધારા જરૂરી છે તે પણ નક્કી કરશે તેમજ જરૂર પડે આ સુધારા જાતે કરી તે કેન્દ્ર સરકારને સુપરત કરશે. આ કમિટિ શહેરોએ કરેલ વર્તમાન
સુવિધાના મૂલ્યાંકન પર પોતાનાં મંતવ્ય રજૂ કરી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશેે. આ ઉપરાંત જો જરૂર પડે તો શહેરોને સ્માર્ટ સિટીને લગતું માર્ગદર્શન પણ આપવામાં આવશે.
શું હશે કેન્દ્રિય એપેક્ષ કમિટિની કામગીરી?
સ્માર્ટ સિટીના અભિયાનને સફળ બનાવવા માટે કેન્દ્રિય એપેક્ષ કમિટિની કામગીરી સૌથી મહત્ત્વની રહેશે. પસંદ કરાયેલ શહેર, રાજ્ય સરકારના પ્રતિનિધિ ઉપરાંત આ કમિટિ ખાનગી ક્ષેત્રથી પણ તજ્જ્ઞોને બોલાવી કમિટિમાં સમાવી તેમની મદદ લઈ શકશે. આ સાથે તમામ સ્તરે શહેરો દ્વારા મોકલવામાં આવેલ આયોજનની ચકાસણી કરવી, તેના અંદાજ ચકાસવા તથા કામગીરી દરમ્યાન નાણાં આપવાની મંજૂરી આપવી જેવી મહત્ત્વની કામગીરી એપેક્ષ કમિટિ પાસે રહેશે. જેની ચકાસણી માટે દર ત્રણ મહિને બેઠક બોલાવી જરૂર પડે તેમાં સુધારા સૂચવવાની કામગીરી પણ કરશે.