- કારેલીબાગ પોલીસે ગ્રાહકના વેશમાં દરોડો પાડતાં પર્દાફાશ
- દલાલ સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી
વડોદરા : શહેરના કોઠી વિસ્તાર સ્થિત ઈન્સ્યોરન્સ કંપનીની આડમાં ચાલતા કૂટણખાનાને કારેલીબાગ પોલીસે બાતમીના આધારે શનિવારે સાંજના સુમારે ઝડપી પાડી હતી. પોલીસે દલાલની ધરપકડ કરી હતી.
કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. એચ.એમ. વ્યાસને બાતમી મળી હતી કે શહેરના કોઠી વિસ્તાર સ્થિત ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીની બાજુમાં આવેલા આનલ કોમ્પલેક્ષમાં છેલ્લાં દોઢ માસથી કૂટણખાનું ચાલી રહ્યું હતું. બાતમીના આધારે કારેલીબાગ પોલીસને ટીમે શનિવારે સાંજે ચાર કલાકે ગ્રાહકના વેશમાં જઈ રેઈડ પાડી હતી. દરમ્યાન એક એજન્ટ સહિત ચાર યુવતીઓ ઝડપાઈ હતી. પોલીસે ચારેય યુવતી અને દલાલ વિરાટ ઈન્દ્રકુમાર શાહ (રહે. હરણી-વારસીયા રીંગ રોડ) ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછમાં ચાર યુવતીઓ પૈકી એક યુવતી મહારાષ્ટ્રની જ્યારે ત્રણ યુવતી સ્થાનિક હોવાનું તેમજ મજબૂરીને કારણે તેઓ વ્યવસાયમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ વિરાટ શાહ એ ઈન્સ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હતો. અહીં તેની એજન્સીની ઓફિસ આવેલી હતી. ઓફિસની આડમાં તે છેલ્લાં કેટલાંય સમયથી કૂટણખાનું ચલાવતો હોવાની માહિતી પોલીસ પૂછપરછમાં ખૂલી હતી.