તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી પેન્શનર્સનાં રૂપિયા 4 કરોડના મેડિકલ બિલ 6 માસથી અટવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: સરકારી નોકરીમાંથી નિવૃત્ લેનાર પેન્શનર્સનાં મેડિકલ બિલ રૂ.25000થી વધુ રકમનાં હોય તો તે હાલમાં ઘોંચમાં મૂકાયાં છે. એકલા વડોદરામાંથી જ આવાં 1200 મેડિકલ બિલ ચૂકવણાની રાહ જોઇ રહ્યાં છે,
- વડોદરા શહેરમાં 33,000 પેન્શનર્સ પેન્શનનો લાભ લે છે: પેન્શનર્સનાં રૂ.25,000થી વધુ રકમના બિલ હજુ પેન્ડિંગ છે

વડોદરા શહેર જિલ્લામાંથી જ હાલમાં 33000 નિવૃત્ત સરકારી કર્મચારીઓ પેન્શન મેળવી રહ્યાં છે. મહિને લગભગ રૂ.50 થી 60 કરોડ જિલ્લા તિજોરી કચેરી તરફથી પેન્શનર્સને પેન્શન ચૂકવવામાં આવી રહ્યું છે. આ પેન્શનરોને સરકારી ધારાધોરણ મુજબ મેડિકલ બિલ ચૂકવવાની પણ જોગવાઇ છે.આ સિસ્ટમમાં ખાનગી હોસ્પિટલની સેવાઓ પણ આવરી લેવામાં આવી છે. પરંતુ, છ મહિના પહેલાં રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા પરિપત્ર મુજબ સરકારી કર્મચારીઓના રૂ.25,000થી વધુ રકમનાં મેડિકલ બિલ જે તે ખાતાધિકારીની પરવાનગીથી મંજૂરી આપવાની સત્તા ઠરાવવામાં આવી હતી.
જે મુજબ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.24 ઓગસ્ટ, 2015થી તબીબી સારવારના નિયમો 2015થી સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનર્સ માટે અમલી બનાવાયાં હતાં. જેથી, અગાઉના તમામ નિયમો રદબાતલ ઠેરવવામાં આવ્યા હતા. જોકે, પેન્શનરોના કિસ્સામાં હાલમાં કોઇ ખાતાધિકારી નથી અ્ને તેમના માટે જિલ્લા તિજોરી અધિકારીને પણ સત્તા આપવામાં આવી નથી કે તેના માટે કોઇ ખુલાસો પણ કરવામાં આવ્યો નથી. વડોદરા કોઠી કચેરી કમ્પાઉન્ડમાં આવેલ કુબેરભવન સ્થિત જિલ્લા તિજોરી કચેરી(પેન્શન)માં છેલ્લા છ મહિનાથી પેન્શનર્સ અને તેમનાં કુટુંબીજનો રૂ.25,000થી વધુ મેડિકલ બિલના ચૂકવણા માટે કાગડોળે વાટ જોઇ રહ્યાં છે. હાલમાં રૂ.25,000થી વધુ રકમનાં 1,200 મેડિકલ બિલ જિલ્લા તિજોરી કચેરીમાં પેમેન્ટના આદેશની વાટ જોઇ રહ્યાં છે.

1,200 પેન્શનર્સના લગભગ રૂ.3 થી 4 કરોડ મેડિકલ બિલ મંજૂરી માટે પેન્ડિંગ થઇ ગયા છે અને તેના કારણે પેન્શનર્સ તેમજ તેમનાં કુટુંબીજનો આર્થિક રીતે કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયાં છે. આ સ્થિતિ, માત્ર વડોદરા પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર રાજયના પેન્શનરોનાં રૂ.25,000થી વધુ રકમનાં મેડિકલ બિલની મંજૂરીને અસર પડી રહી છે. છ છ મહિનાથી વડોદરાનાં જ 3 થી રૂ.4 કરોડનાં 1,200 મેડિકલ બિલ માત્ર ગાંધીનગરથી આદેશની વાટ જોઇને પડી રહ્યાં છે છતાં ગાંધીનગરથી કોઇ કાર્યવાહી કરાઇ નથી.
પેન્શનર્સને તકલીફ પડી રહી છે
મેડિકલ ખર્ચનાં બિલ મૂકી નાણાં પરત લેવામાં તકલીફ પડી રહી છે. સરકારે દવાખાનાંની સંખ્યા વધારી છે પણ દર્દ સારવાર-ઓપરેશનના પેકેજની રકમ ઘટાડી દીધી છે. આ મામલે રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે. - હર્ષદ શાહ, સહ કન્વીનર ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ

અમે પણ સ્પષ્ટતાની રાહ જોઇએ છીએ
નિવૃત કર્મચારીને કોઇ ખાતાધિકારી હોય નહીં તે સ્વભાવિક છે. આ સંજોગોમાં, પેન્શનરોના રૂ.25,000થી વધુ રકમના મેડિકલ બિલની મંજુરી સ્થાનિક સ્તરે તિજોરી કચેરીમાંથી અપાય તો સરળતા રહે તેમ છે. પરંતુ, ઓગસ્ટ મહિનામાં કરાયેલા પરિપત્રમાં તેને લગતી કોઇ સ્પષશ્ટતા નથી અને તેના માટેની અમે રાહ જોઇ રહ્યા છે. હાલમાં જ 1,200 જેટલા બિલો મંજુરી માટે તૈયાર છે. - એચ કે ઉપાધ્યાય, ટ્રેઝરી ઓફિસર(પેન્શન),વડોદરા
અન્ય સમાચારો પણ છે...