સોદાગર જિમખાનામાં જુગાર રમતા 61 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:  નવાબવાડા વિસ્તારમાં આવેલા સોદાગર જિમખાનામાં ગુરુવારે સાંજે ડીસીબી પોલીસે દરોડો પડતાં સંચાલક સહિત 61 જુગારી ઝડપાઇ ગયા હતા. પોલીસે અઢી લાખ રોકડા ઉપરાંત વાહનો અને મોબાઇલ મળીને 5 લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારીઓમાં આણંદ અને અમદાવાદના જુગારીઓનો પણ સમાવેશ થાય છે.
 
વાહનો અને મોબાઇલ મળીને રૂા.5 લાખની મતા જપ્ત
 
શહેરના નવાબવાડા વિસ્તારમાં આવેલ કુખ્યાત સોદાગર જિમખાનામાં નસરુલ્લાખાન મહેબુબખાન પઠાણ મોટા પાયે જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં ડીસીબી પોલીસે ગુરુવારે સાંજે દરોડો પાડ્યો હતો. જિમખાનામાં પોલીસની એન્ટ્રી થતાં જ જુગારીઓના હોશકોશ ઉડી ગયા હતા.પોલીસે જુગાર  રમતા અને જિમખાનાનો સ્ટાફ તથા સંચાલક નસરુલ્લાખાન મહેબુબખાન પઠાણ  મળીને 61 લોકોની ધરપકડ કરી હતી. સોદાગર જિમખાનામાં કોઇન અને રોકડથી જુગાર રમાઇ રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે પકડાયેલા જુગારીઓમાં વડોદરા ઉપરાંત આણંદ અને અમદાવાદના શખ્સોનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી અઢી લાખની રોકડ રકમ ઉપરાંત મોબાઇલ ફોન અને વાહનો કબજે કર્યાં હતાં. પકડાયેલા તમામ શખ્સની મોડી રાત સુધી તેમનાં નામ સહિત વિવિધ મુદ્દા પર પોલીસે તપાસ કરી હતી.
 
6 માસ પહેલાં પણ દરોડો પડ્યો હતો

સોદાગર જિમખાનામાં અગાઉ 6થી 8 માસ પહેલાં પણ કારેલીબાગ પોલીસે દરોડો પાડીને મોટી સંખ્યામાં જુગારીઓને ઝડપી લીધા હતા. વારંવાર પોલીસની રેઇડ પડવા છતાં થોડા સમયમાં જ જિમખાનાની આડમાં જુગારની પ્રવૃત્તિ ચાલુ થઇ જતી હતી.
 
જિમખાનામાં એક રૂમમાં બે એસી છે

સોદાગર જિમખાનામાં જુગાર રમવા આવતા શખ્સો માટે વૈભવી સવલતો પૂરી પડાતી હતી. જુગાર રમતી વખતે એક રૂમમાં બે એસી લગાડવામાં આવ્યાં હતાં. સોદાગર જિમખાનામાં વડોદરા ઉપરાંત અન્ય શહેરોના લોકો પણ જુગાર રમવા અહીં આવતા હતા.
 
 
અન્ય સમાચારો પણ છે...