વડોદરા: મેયરપદ માટે ભરત ડાંગર અને કેતન બ્રહ્મભટ્ટના નામની ચર્ચા

ભરત ડાંગર તેમજ અન્ય સંભવિતો પૈકી ત્રીજી વખત ચૂંટાયેલા કેતન બ્રહ્મભટ્ટના નામોની ચર્ચા થઇ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 09, 2015, 01:02 AM
(ભરત ડાંગર ફાઇલ તસવીર)
(ભરત ડાંગર ફાઇલ તસવીર)
- ગાંધીનગર ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી
- તા.10 મીએ પુન: મળનારી બેઠકમાં ફરી ચર્ચા-વિચારણા થશે
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં સતત 5 મી વખત જીત મેળવી સત્તા જાળવી રાખવામાં સફળ થયેલા ભાજપમાંથી હવે શહેરના આગામી મેયર કોણ તે મુદ્દે ચર્ચાઓ શરૂ થઇ છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપની મંગળવારે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના મેયરપદ માટે બે નામોની ચર્ચા થઇ હોવાની વિગતો સાંપડી છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મંગળવારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પ્રમુખ આર.સી.ફળદુ અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના મહામંત્રીઓ, પ્રભારીઓ તેમજ વડોદરા શહેર પ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારી મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા મહાનગર પાલિકાના મેયર તરીકે કોને નિયુક્ત કરવા તે મુદ્દે ચર્ચા-વિચારણા શરૂ થઇ હતી. આ ચર્ચા દરમિયાન સ્થાનિક ધારાસભ્યોના જૂથે કોઇ એક વ્યક્તિના નામની ભલામણ કે વિરોધ કરવાનો સૂર બદલી શહેરના સંજોગો, રાજકીય પરિસ્થિતિ, ચૂંટણી પરિણામો તેમજ ભવિષ્યની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી મેયરપદ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા જણાવ્યું હતું. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ધારાસભ્યોએ એક જ સૂરે રજૂઆત કરી હતી. એટલું જ નહીં ધારાસભ્યોએ કોઇએક વ્યક્તિનું નામ રજૂ કરવાનું કે તેના વિરોધમાં રજૂઆત કરવાનું ટાળતાં બેઠકમાં હાજર અન્ય વ્યક્તિઓને આશ્ચર્ય થયું હતું.
જો કે, ધારાસભ્યોની રજૂઆત પ્રત્યે બેઠકમાં પ્રદેશ મોવડીઓ પ્રતિક્રિયા આપવાથી દૂર રહી કાર્યવાહી આગળ ધપાવી હતી. બેઠકમાં વડોદરાના મેયર તરીકે શહેર પ્રમુખ ભરત ડાંગર તેમજ અન્ય સંભવિતો પૈકી ત્રીજી વખત ચૂંટાયેલા કેતન બ્રહ્મભટ્ટના નામોની ચર્ચા થઇ હોવાની વિગતો સાંપડી છે. જો કે, મોવડી મંડળે વડોદરાના મેયરપદ માટેના નામ અંગે મગનું નામ મરી પાડ્યું નહોતું. મેયરપદના નામની ચર્ચા માટે તા.10 મીએ પુન: મળનારી બેઠકમાં ફરી ચર્ચા-વિચારણા થશે તેમ જાણવા મળ્યું છે.

X
(ભરત ડાંગર ફાઇલ તસવીર)(ભરત ડાંગર ફાઇલ તસવીર)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App