તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજ્જુ સિંધી અને લાલુ અંડા વચ્ચે પૈસાની લેવડદેવડના મુદ્દે અથડામણ: નાસભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: અજ્જુ સિંધી અને લાલુ અંડાને રૂપિયાની લેવડદેવડમાં વાંધો પડતાં મામલો બિચક્યો હતો. સોમવારે સાંજે માંડવીની લારી પર બંને વચ્ચે ઝઘડા બાદ અજ્જુ હથિયાર સાથે લાલુ અંડાની પોળ સુધી ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સિટી અને વાડી પોલીસ સ્થળ પર દોડી થઇ સ્થિતિ કાબૂમાં લીધી હતી. સામાપક્ષે અજ્જુએ પણ લાલુ અંડા અને તેના સાગરિતે ગોળી મારવાની ધમકી આપી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે જમીનના રૂપિયાની ભાગબટાઇ હોવાની શંકા સેવાઇ રહી છે.
ઝઘડો કરી ગોળી મારી દઇશ ધમકી આપી
અજ્જુ સિંધીએ સિટી પોલીસને ફરિયાદ કરી હતી કે, સોમવારે સાંજે 7:15 વાગ્યાના સુમારે માંડવી સ્થિત જીઇબીની ઓફિસ પાસેની લારી પર ચા નાસ્તો કરવા જતાં રાજપુરાની પોળમાં રહેતો લાલુ અંડો અને તેનો સાગરિત ગુલામ મુસ્તાક ત્યાં ઉભા હતાં. દરમિયાન બંનેએ અગાઉની અદાવતે ઝઘડો કરી ગોળી મારી દઇશ ધમકી આપી હતી. આ અંગે તેની સામે ગુનો નોંધવા પત્નીએ પોલીસમાં અરજી આપી હતી.
અકોટા-નવાપુરાના માથાભારે શખ્સો આવ્યા
લાલુ અંડા અને અજ્જુ સિંધી વચ્ચેની અથડામણના પગલે માંડવી પાસે લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતાં. જોતજોતામાં અજ્જુ સિંધીના માથાભારે સમર્થકો સિટી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. સામા પક્ષે લાલુ સિંધીના અકોટા અને નવાપુરાના સમર્થકો પણ એકઠા થઇ ગયા હતાં. બંને પક્ષે કોઇ અણબનાવ ન બને તે માટે પોલીસ એકશનમાં આવી ગઇ હતી. મોડી સાંજે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઇ હતી.
ગુનાઇત ભૂતકાળ ધરાવતો અજ્જુ બેફામ બન્યો
અજ્જુ સિંધી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. અગાઉ હત્યાનો પ્રયાસ, ખંડણી સહિતના ગુના નોંધાયેલા છે. સલીમ ગોલાવાલા પર હત્યા બાદ અજ્જુ સિંધીએ એક યુવકને માર મારતો વીડિયો વાયરલ થતા હડકંપ મચી ગયો હતો. બીજી બાજુ લાલુ અંડા સામે પણ અગાઉ ગુના નોંધાયેલા છે. જોકે, ઘણા વર્ષોથી તે કોઇ વિવાદમાં આવ્યો નથી.
અન્ય સમાચારો પણ છે...