તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને જીવતી સળગાવવા પ્રયાસ કર્યો, પોલીસ સ્ટેશનમાં ઝેર પીધું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: શહેરના નવાપુરા ચાર રસ્તા પાસે આજે મધ્યાહ્ને 12:15 વાગે ચાલતાં જઇ રહેલી યુવતીની પાછળ આવેલા એક પુરુષે કેરોસીન છાંટી તેને જીવતી સળગાવવા પોતાની પાસેની માચીસ કાઢતાં સ્થાનિક લોકોએ યુવાનને પકડી લીધો હતો. મહિલા પોલીસ મથકે પહોંચેલી યુવતીને પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સાંજે આ યુવકને પોલીસે પૂછપરછ માટે બોલાવતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ઝેર પી લીધું હતું. જેથી તેને સયાજીમાં ખસેડાયો હતો.

મૈત્રીને લગ્નમાં પરિણમવા પ્રકાશ અવાર નવાર દબાણ કરતો

આ અંગે ભોગ બનનાર માનસી(નામ બદલ્યું છે. )એ જણાવ્યું હતું કે હું સેવાસદનના આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવું છું.મારી ઉંમર 26 વર્ષ છે. નડિયાદથી રોજ અત્રે નોકરી માટે આવું છું. મારી સાથે વડસરમાં સાથે નોકરી કરતા પ્રકાશ કાળીદાસ પરમાર સાથે એક વર્ષ અગાઉ મૈત્રી થઇ હતી. જે મૈત્રીને લગ્નમાં પરિણમવા પ્રકાશ અવાર નવાર દબાણ કરતો હતો. પરંતુ લગ્ન અંગે મેં ના પાડતાં તે જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

આંખમાં પ્રવાહી જતાં ધૂંધળું દેખાવા લાગ્યું

શનિવાર હોવાથી બપોરે 12 વાગે નોકરી પરથી છૂટી ચાલતાં પથ્થરગેટ તરફ જઇ રહી હતી. જ્યાંથી રિક્શામાં સ્ટેશન જઉં છું. ત્યારે પાછળથી ચાલતા આવેલા પ્રકાશ પરમારે મારા ઉપર પ્રવાહી છાંટી પોતાની પાસેની માચીસ કાઢી હતી. પ્રવાહીને પગલે મારી ઓઢણી પ્રવાહીવાળી થઇ હતી.કપડાં પલળ્યાં હતાં.બનાવ પગલે હું હેબતાઇ ગઇ હતી. આંખમાં પ્રવાહી જતાં ધૂંધળું દેખાવા લાગ્યું હતું. જોકે દોડી આવેલા લોકોએ પ્રકાશને પકડી લીધો હતો. જ્યારે મને મહિલાઓએ એક મકાનના પાછળના દરવાજેથી બહાર જતી રહેવા કહ્યું હતું. સ્વસ્થ થતાં હું રોજનો રસ્તો હોવાથી મહિલા પોલીસ મથકે આવી હતી. પોલીસ મને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગઇ હતી.

પોલીસ મથકમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ

બનાવ અંગે મહિલા પોલીસ દ્વારા છેડતીનો ગુનો દાખલ કરાયો હતો. બીજી તરફ પ્રકાશ કાળીદાસ પરમારને પૂછપરછ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવાયો હતો. જયાં તેને સાડા સાત વાગે મહિલા પોલીસ મથકમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પોલીસ મથકમાં હાજર કર્મચારી દ્વારા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રકાશનું રાત્રે 10 વાગે ડીડી લેવાયું હતું.

અગાઉ પ્રકાશ સામે ઉચાપતની ફરિયાદ થઇ હતી

સેવાસદનના આરોગ્ય અધિકારીઅે જણાવ્યા મુજબ એક વર્ષ અગાઉ પોલિયોની કામગીરીના વોલિએન્ટિઅર્સને નાણાં ચૂકવવામાં રૂ.50000ની ઉચાપત પ્રકાશે કરી હતી. જે સમયે તે નવાપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતો હતો. જે અંગે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પ્રકાશ પોસેથી નાણાં રિકવર કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બે મહિના અગાઉ તેને ફરી નોકરી પર લેવામાં આવ્યો હતો.

બે સંતાનનો પિતા કુંવારી યુવતી પર મોહાંધ

બકરાવાડીમાં રહેતો અને વોર્ડ નંબર 7માં રેવન્યુ વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો પ્રકાશ પરમાર બે સંતાનનો પિતા છે. તે પરિવાર સાથે રહેતો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.યુવતીને લગ્ન માટે તે અવારનવાર દબાણ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો