જૂની નોટ બદલવાનું કહી આર્મી જવાનના 50લાખ પડાવ્યા, છેતરપિંડીની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ નિવૃત્ત લશ્કરી જવાનને ખેતીની જમીન અપાવવા તેમજ બંધ થયેલી રૂા. 500-1000ની રૂા. 50 લાખની ચલણી નોટ 10 ટકા કમિશનથી બદલાવવાનું કહી ભરવાડ ત્રિપુટી તારાપુર લઇ ગયા બાદ ફરાર થઇ ગઇ હતી. ઘટનાથી હતપ્રભ બનેલા નિવૃત્ત લશ્કરી જવાને 20 દિવસ બાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં રૂા. 50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા રોડ રેવાપાર્ક ગરબા ગ્રાઉન્ડની બાજુમાં અાવેલી શુભમ્ પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન પદ્યુમ્ન ચિંતામણિ પાંડે જમીન લે-વેચનું કામ કરે છે. તેમણે ખેતીની જમીન લેવા માટે વાઘોડિયા રોડ આશાપુરીના ઝાલા કચરા ભરવાડને કહેતાં 2 મહિના પહેલાં તેણે તારાપુર નજીક તેમના ઓળખીતાની 7 વીઘા જમીન વેચવાની છે તેમ જણાવી રૂા. 50 લાખ ભેગા કરવા કહ્યું હતું. ગત 11 નવેમ્બરે ઝાલા કચરા ભરવાડ અને ઝાલા ભરવાડે તેમના ઘરે જઇ જમીન માટે ધર્મજ જવા કહ્યું હતું.

નિવૃત્ત જવાને તેમની પાસેના રૂા. 50 લાખ લઇ બંને સાથે પિકઅપ વાનમાં ગયા હતા. રસ્તામાં નારાયણ સ્કૂલ પાસેના ભરવાડ વાસમાં રહેતા ભના મફા ભરવાડને મળતાં તેણે બાઇક પર જવાનું કહેતાં તેઅો પિકઅપ વાન મૂકી બાઇક પર જવા નીકળ્યા હતા. બપોરે સાડા ચાર વાગે ધર્મજ પહોંચતાં ભનાએ આપણે જે જમીનનો સોદો કરવા જઇએ છીએ તેનો સારો ગ્રાહક મળી ગયો છે, તેમ કહેતાં નિવૃત્ત જવાને પરત જવાનું કહ્યું હતું.

દરમિયાન ભનાએ તમારી પાસે આટલી મોટી રકમ છે, મારા એક ઓળખીતા તારાપુરમાં છે. તેમણે ડાંગર વેચી છે. તેમની પાસેથી તમને રૂા.100ની નોટોમાં બદલી આપું કહી તેમને તારાપુરથી આગળ મહિયારી ગામ પાસે ઊભા રાખી રૂપિયા વટાવી લાવવાનું કહ્યું હતું અને તેમની પાસેના રૂા.25-25 લાખ ભરેલા બે થેલા ભના ભરવાડ બાઇક પર લઇ ગયા બાદ અદૃશ્ય થઇ ગયો હતો. થોડીવાર બાદ ચીખલિયા ગામ પાસે ભના ભરવાડની બાઇક રસ્તા પરથી મળી આવી હતી અને થોડે દૂર તે ધ્રુજતો ઊભો હતો. ત્રણ માણસો તેને પકડી માથામાં લાકડી મારી રૂપિયા લઇ ભાગી ગયા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે સારવાર કરાવવાના સ્થાને ખંભાત જવાની જીદ પકડતાં તેમને શંકા ગઇ હતી. ઘટનાના 20 દિવસ બાદ આખરે તેમણે ત્રણે ભરવાડ ત્રિપુટી વિરુદ્ધ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
-આગળ વાંચો ઘટનાથી આર્મી જવાન સ્તબ્ધ બન્યો
અન્ય સમાચારો પણ છે...