તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે અમિત શાહનું વડોદરામાં ભવ્ય સ્વાગત, BJP રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ પ્રથમ મુલાકાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ આવતીકાલે શનિવારે રાત્રે વડોદરા આવી રહ્યા હોઇ શહેર ભાજપ છાવણીમાં ઉત્સાહ વ્યાપ્યો છે. રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ પહેલી વખત તેઓ વડોદરા આવતા હોઇ શહેર ભાજપ દ્વારા તેમના ભવ્ય સ્વાગત અને સન્માનની તૈયારીઓ કરવામાં આવી છે. વડોદરામાં સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટના પ્રણેતા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરાયું છે. મહાશિવરાત્રિ પર્વ અગાઉ શિવોત્સવ કાર્યક્રમ અંતર્ગત શહેરના જુદાજુદા વિસ્તારોમાં જાણીતા ગાયકો-કલાકારોની ભજન-સંધ્યા યોજવામાં આવી છે. જેના ભાગરૂપે શનિવારે સાંજે 7.30 કલાકે કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા મેદાન ખાતે જાણીતી ગાયિકા અનુરાધા પૌંડવાલનો કાર્યક્રમ યોજાનાર છે.
-આજે અમિત શાહનું શહેરમાં ભવ્ય સ્વાગત
-BJP રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ પ્રથમ મુલાકાત
-અનુરાધા પૌંડવાલના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે
શિવોત્સવ અંતર્ગત યોજાનારા અનુરાધા પૌંડવાલની ભજન-સંધ્યાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે સંમતિ આપી હોઇ શનિવારે રાત્રે 9.30 કલાકે તેઓનું વડોદરામાં આગમન થશે. રાષ્ટ્રીય પ્રમુખના વડોદરામાં પ્રવેશ સાથે રાત્રે 9.30 કલાકે સમા-તળાવ ચાર રસ્તા ખાતે શહેર ભાજપ અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ યુવા ભાજપના કાર્યકરો રાષ્ટ્રીય પ્રમુખને રેલી સ્વરૂપે અંબાલાલ પાર્ક ગરબા મેદાન ખાતે દોરી જશે. અંબાલાલ પાર્ક મેદાન ખાતે આવી પહોંચ્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલ અને ભાજપ દ્વારા અમીત શાહનું જાહેર સન્માન કરાશે. ત્યારબાદ 15 મિનિટ સુધી ભજન સંધ્યાના કાર્યક્રમનો લ્હાવો લઇ શાહ ભાજપના સ્થાનિક આગેવાન મહેશ શર્માના પારિવારિક ધાર્મિક અનુષ્ઠાનમાં થોડો સમય હાજર રહી અમદાવાદ જવા રવાના થશે.ભાજપ દ્વારા તેમના સ્વાગતની તડામાર તૈયારી કરાઇ રહી છે.
આગમન ટાણે ભાજપ મોરચે સળવળાટ
લોકસભા તેમજ વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી તેમજ રાષ્ટ્રીય પ્રમુખનો તાજ ગ્રહણ કર્યા બાદ પહેલી વખત શહેરની મુલાકાતે આવી રહેલા અમીત શાહ ભાજપના સ્થાનિક રાજકારણ અંગે હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરે તેવી શક્યતા છે. ખાસ કરીને શહેર ભાજપ પ્રમુખની નવી નિયુક્તિ હજુ સુધી થઇ નહોઇ પ્રમુખપદ સક્ષમ વ્યક્તિને સોંપવાના મુદ્દે મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબહેન ભટ્ટ,સ્થાનિક ધારાસભ્યો તેમજ ભાજપના પીઢ આગેવાનો સાથે ચર્ચા કરે તેમ મનાઇ રહ્યું છે.આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકામાં સતત 5 મી વખત ભાજપે સત્તા મેળવ્યા બાદ શાસક પક્ષ તરીકેની કામગીરીનો પણ રાષ્ટ્રીય પ્રમુખ ક્યાસ કાઢે તેવી પણ શક્યતા છે. વડોદરાની ટૂંકી મુલાકાત દરમિયાન તેમને મળવા માટે હાજર રહેનારા શહેર ભાજપ ઉપરાંત વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ ધારાસભ્યો સાથે પણ રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે તેમ જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે...