નિવૃત્ત PSIનો CBIને સ્ફોટક ઇ-મેલઃ અસ્થાનાએ સુરત પોલીસ વેલ્ફેરના 20 કરોડ ભાજપમાં ટ્રાન્સફર કર્યા હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: સીબીઆઇના 2 ટોચના અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેનો ગજગ્રાહ ચરમ સીમાઅે પહોંચ્યા બાદ અસ્થાનાએ સુરતમાં તેમના કાર્યકાળમાં પોલીસ વેલ્ફેરના 20 કરોડ રૂપિયા ચૂંટણીફંડમાં આપી દીધા હોવાનો નવો ફણગો ફૂટ્યો છે. સુરતના નિવૃત્ત પીએસઆઇએ  23 ઓક્ટોબરે સીબીઆઇને કરેલા સ્ફોટક ઇમેલમાં સુરત પોલીસ વેલફેરના 20 કરોડ રૂપિયા પૂર્વ કમિશ્નર રાકેશ અસ્થાનાએ ભાજપ તરફે ટ્રાન્સફર કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.  સુરત પોલીસના અેકાઉન્ટમાં વર્ષ 2013 થી 2015 દરમિયાન રૂપિયા પરત આવ્યા ન હતા અને તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ગેરકાયદે કૃત્ય હતું અને સુરત શહેર પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાનું સૌથી મોટું કૌભાંડ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

 

સીપી ઓફિસમાંથી વેલફેર ફંડને લગતા ચોપડા ગુમ


નિવૃત્ત પીએસઆઇના જણાવ્યા અનુસાર , પોલીસ વેલફેરના 20 કરોડના ટ્રાન્સફર મુદ્દે ઇન્કમટેક્સ વિભાગે ટીડીએસ ભરવાની નોટિસ પણ આપી હતી. આ નોટિસ સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીએ ખુલાસો પૂછતાં અસ્થાના નારાજ થયા હતા. ત્યારબાદ સીપી ઓફિસમાંથી વેલફેર ફંડને લગતા ચોપડા ગુમ થયા હોવાની સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જાણવા જોગ નોંધ પણ કરાઇ હતી. સીપી ઓફિસ ઉમરા પોલીસ સ્ટેશનમાં આવતી હોવા છતાં ડીસીબીમાં નોંધ કરી હતી. આ સંદર્ભે લોકલ ફંડ ઓડિટ વિભાગમાં પણ નોંધ થયેલ હતી. પોલીસ વેલફેરના 20 કરોડના મુદ્દે આરટીઆઇ એક્ટિવિસ્ટે વિગતો માંગી હતી પરંતુ તેનો જવાબ નહોતો મળ્યો.

 

RTI કરી પણ માહિતી આપી  ન હતી : શેખ

 

સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ શેખ મોહંમદ સોહેલ મહંમદ અમીને જણાવ્યું કે, આ અંગે અમે 2015માં RTI હેઠળ માહિતી માગી હતી પરંતુ અમને આ માહિતી આપી શકાય તેમ નથી તેવો જવાબ અપાયો હતો.

 

(​અહેવાલ- મનીષ પંડ્યા)