• Gujarati News
  • National
  • Vadodara News We Should Stay The Same As We Are If This Happens Then No One Will Be Hurt Because Truth Never Goes Unnoticed 073513

આપણે જેવાં છીએ તેવા જ રહેવું જોઈએ, જો આવું થશે તો કોઈને દુઃખ નહિ થાય કારણ કે સત્ય ક્યારેય છૂપાતું નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંવિત્તિ ‘શેરિંગ સ્ટોરી’ અંતર્ગત સાહિત્યમિત્ર સીમા ત્રિવેદી વરીઆએ સુરેશ જોશી દ્વારા લિખિત ટૂંકી વાર્તા ‘થીગડું’નું કથન શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યામંદિરની કન્યાઓ માટે કર્યું હતું. આ સત્રનું સંચાલન સંવિત્તિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. સત્રની શરૂઆત ‘થીગડું’ વિશેની ચર્ચા સાથે થઈ હતી અને તેમાં જીવનના દૃષ્ટિકોણથી તેની સમજ આપવામાં આવી હતી. જીવનમાં તમે જે છો એ જ સામેના વ્યક્તિને બતાવશો તો ક્યારેય દુઃખી નહિ થાવ અને બીજાને દુઃખી નહિ થવા દો. ઉલ્લેખનીય છે કે સંવિત્તિ દ્વારા છેલ્લા એક વર્ષથી શહેરના વિવિધ વિસ્તારમાં જઈને સ્ટોરીઓ કહેવામાં આવે છે. જેનાથી પ્રેરિત થઇને અનેક લોકોને જીવન જીવવાનો યોગ્ય માર્ગ મળ્યો છે.

સંવિત્તિ દ્વારા છેલ્લા એક વર્ષથી પ્રેરણાદાયક સ્ટોરીઓ કહેવામાં આવે છે, જેનાથી અનેક લોકોનાં જીવન બદલાયાં છે
રાણીએ રાજાને કહ્યું : ‘આટલા લાંબા સમય સુધી યુવાન રહેવું સારું નથી.’
સાહિત્યમિત્રે વાર્તાના પરિદૃશ્યના વર્ણન સાથે શરૂઆત કરી હતી. વર્ષો પહેલાં, એક રાજા અને એક રાણી હતાં જેમને એક સુંદર રાજકુમાર હતો. રાજકુમારની સુંદરતા જોઈને રાણીને ચિંતા થતી કે ઉંમર સાથે તેની સુંદરતા ઓછી ન થઈ જવી જોઈએ. એવી વિચારી રાજા અને રાણી જઈને સંતને મળ્યા અને તેમને પોતાની ઈચ્છા પરિપૂર્ણ કરવાની માગણી કરી કે તેમનો રાજકુમાર હંમેશા યુવાન અને સુંદર જ રહે. સંતે તેમને એક જાદુઈ કપડું આપ્યું જે હંમેશા રાજકુમારના શરીર પર રહેવું જોઈએ અને ક્યારેય પણ નીકળી ન જવું જોઈએ. પરંતુ, એક શરત હતી, કે જો રાજા કે રાણીમાંથી કોઈપણ એકના મનમાં રાજકુમાર માટે ખરાબ વિચારો આવશે, તો કપડાંમાં કાણું પડી જશે અને રાજકુમાર તરત જ તેની વાસ્તવિક ઉંમર અને દેખાવમાં આવી જશે.

સંતે સૂચન કર્યું કે કપડાંમાં પડેલું કાણું એવી વ્યક્તિના વસ્ત્રના થીગડાં દ્વારા સાંધવામાં આવવું જોઈએ જેણે જીવનમાં ક્યારેય પાપ ન કર્યું હોય. પછી રાજકુમારના લગ્ન થયાં અને જ્યારે તેની પત્ની વૃદ્ધ થઈ, રાજકુમારે તેને છોડીને યુવાન રાજકુમારી સાથે લગ્ન કર્યાં.

એક દિવસ કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. તેઓએ આજુબાજુ જોયું તો એ રાજકુમારી હતી જેને રાજકુમારે વૃદ્ધ થઈ જવાથી છોડી દીધી હતી. આ જોઈને, રાણીએ કહ્યું, ‘આટલા લાંબા સમય સુધી યુવાન રહેવું સારું નથી.’ જે ક્ષણે તેણીએ આવું કહ્યું, રાજકુમારે પહેરેલા પેલા જાદુઈ કપડાંમાં કાણું પડી ગયું. તરત જ રાજકુમાર તેની વાસ્તવિક ઉંમર અને દેખાવમાં આવી ગયો. રાણીએ કાણાંને થીગડું મારવાનો પ્રયાસ કર્યો પરંતુ એવું કરી શકી નહીં. વાર્તાના અંતે સાહિત્યમિત્રે જાદુઈ કપડાંના ટુકડાની સરખામણી જીવન સાથે કરી અને કાણાંની સરખામણી અનપેક્ષિત મુશ્કેલીઓ સાથે કરી જેમને થીગડું મારી શકાય છે. તેણીએ સહભાગીઓને કપડાંનો ટુકડો આપ્યો જેમાં કાણું હતું અને સહભાગીઓએ તે કાણાં પર થીગડું સાંધવાનું હતું. તેણીએ આગળ સમજાવ્યું કે, અંદરથી થીગડું જર્જરિત દેખાશે પણ, બહારથી તે હંમેશા સુંદર જ દેખાશે. વાર્તાના માધ્યમથી સહભાગીઓ સમજ્યા કે લાલચ જીવનમાં ઝેર સમાન છે અને લાલચ રાખવાને બદલે વ્યક્તિએ ખુશ રહેવા માટે જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ.