Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સતત બીજા િદવસે વિજિલન્સ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
એમ.એસ.યુનિ.માં સતત બીજા દિવસે વિદ્યાર્થી-વિજિલન્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. સીઆરને સિક્યુરિટી જવાને લાફો મારતાં વિદ્યાર્થીઓ વિફર્યા હતા. ત્યારબાદ વિજિલન્સ અને વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. સિન્ડિકેટ સભ્યો મંયક પટેલ-દિનેશ યાદવે મામલો થાળે પાડ્યો હતો. વીસી સાથે વિદ્યાર્થીઓની બેઠકમાં પરિણામની ખાતરી અપાઇ હતી. 21 માર્ચથી 24 માર્ચ વચ્ચે પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
આંદોલનના બીજા દિવસે પણ યુનિવર્સિટી હેડ ઓફિસે રજૂઆત કરવા માટે ગયેલા કરી વિદ્યાર્થીઓ અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ વિદ્યાર્થીઓ ધરણાં ઉપર બેસી ગયા હતા અને સત્તાવાળાઓના પૂતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરુવારે યુજીએસને મારવાની ઘટના બની હતી. જેના પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે ઉગ્ર દેખાવો ચાલુ રાખ્યા હતા. વિજિલન્સ સાથે ચકમક પણ ઝરી હતી. દરમિયાન સિક્યુરિટી જવાને યુનિયન બિલ્ડિંગના સીઆર પાર્થ પટેલને લાફો મારી દેતાં વિદ્યાર્થીઓ વિફર્યા હતા. વિદ્યાર્થીઓ અને વિજિલન્સ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો મંયક પટેલ અને દિનેશ યાદવે દરમિયાનગીરી કરતા તેમને પણ ધક્કે ચઢાવ્યા હતા. બેફામ બનેલી વિજિલન્સની દાદાગીરી સામે સિન્ડિકેટ સભ્યો પણ રોષે ભરાયા હતા. જોકે બાદમાં યુનિવર્સિટી સત્તાધીશોએ યુજીએસ રાકેશ પંજાબી સહિતના વિદ્યાર્થી નેતાઓ સાથે હેડ ઓફિસમાં વીસીએ બેઠક કરી હતી. જેમાં વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી. સિન્ડિકેટ સભ્યોની હાજરીમાં વીસીએ 21 થી 24 માર્ચ દરમિયાન પરિણામ જાહેર કરવાની ખાતરી આપી હતી.
વિજિલન્સે કેવી રીતે કામગીરી કરવી તેની ગાઇડલાઇન બનાવાશે
સિન્ડિકેટ સભ્ય મંયક પટેલ અને દિનેશ યાદવે વીસીને વિજિલન્સે વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે વિશે ગાઇડલાઇન નક્કી કરવા કહ્યું હતું. જેના પગલે હવે આગામી સિન્ડિકેટમાં ગાઇડલાઇન બનાવાશે.
વિદ્યાર્થીઓની ફરિયાદ ન લેનાર પોલીસ વિજિલન્સના બચાવમાં
ગુરુવારે યુજીએસ પર હુમલો કરનાર વિજિલન્સના અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા વિદ્યાર્થીઓ પોલીસ મથકે ગયા હતા. તે સમયે તમારો આંતરિક મામલો છે તેમ કહીને હાથ ઊંચા કરનાર પોલીસ શુક્રવારે હેડ ઓફિસ ખાતે વિજિલન્સને બચાવવા આવી હતી.
કાનાનીના પૂતળાનું દહન કરાયું
વિજિલન્સના અધિકારીઓની વધતી જતી દાદાગીરી સામે વિદ્યાર્થીઓએ આંદોલનની શરૂઆત કરી છે. હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સાથે પુન: ઘર્ષણનો બનાવ બન્યો હતો. વિજિલન્સ અને વિદ્યાર્થીઓ સામસામે આવી ગયાં હતાં. યુજીએસ પર હાથ ઉઠાવનાર વિજિલન્સ અધિકારીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
યુજીએસનું ગળું પકડી લીધું : બીકોમના પરિણામ અંગે રજૂઆત કરવા ગયેલા વિઘાર્થીઓ પર દમન ગુજારનાર વિજિલન્સ સામે શુક્રવારે દેખાવો કરાયા હતા.જેમાં દરમિયાનગીરી કરનાર સિન્ડીકેટર સભ્ય દિનેશ યાદને ધક્કે ચઢાવનાર વિજિલન્સના સ્ટાફે યુજીએસનું ગળુ પકડી લેતાં ભારે હોબાળો મચ્યો હતો.
સીઆરને સિક્યુરિટી જવાને લાફો મારતાં વિદ્યાર્થીઓ વિફર્યા, ઉગ્ર દેખાવો
મામલો થાળે પાડવા આવેલા 2 સિન્ડિકેટ સભ્યોને પણ વિજિલન્સે ધક્કે ચડાવ્યા