તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News There Was Not A Single Cattle On The Route Of A Five Hour Marathon Why Would Not This Happen For The Whole Year 042049

પાંચ કલાક મેરેથોનના રૂટ પર એકય રખડતું ઢોર ન આવ્યું, આવું આખંુ વર્ષ કેમ ના થાય?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં રવિવારે પાંચ કલાક સુધી મેરેથોન દોડ યોજાઇ હતી અને તેમાં 12 કલાક સુધી પાલિકાના ઢોર પાર્ટીના પેટ્રોલીંગના કારણે ચારેય રૂટ પર એક પણ ઢોર રસ્તા પર દેખાયુ ન હતું અને કેટલ ફ્રી રોડનો લાભ મળ્યો હતો. આ સંજોગોમાં, આવી સ્થિતિ આખુ વર્ષ રહે તે માટે પાલિકા કેમ પ્રયાસ કરતુ નથી તેવો સવાલ ઉભો થયો છે.

શહેરમાં રવિવારે સવારે સાડા પાંચ વાગ્યાથી મેરેથોન રન માટે તંત્ર તૈનાત થયું હતું.નવલખી મેદાનથી સન ફાર્મા રોડ થઇને ચંદન મલ્ટીપ્લેકસ અને ત્યાંથી જેપી રોડ થઇને પરત નવલખી મેદાનનો સૌથી મોટો 42 કિલોમીટરનો રૂટ હતો. આ સિવાય, નવલખી મેદાનથી લાલબાગ થઇને રોક સ્ટાર સર્કલ અને ત્યાંથી અકોટા દાંડિયાબજાર બ્રિજ થઇને નવલખી સુધીનો 21 કિલોમીટરનો રૂટ હતો. જયારે, નવલખી મેદાનથી લાલબાગ બ્રિજ થઇને અક્ષર ચોક અને ત્યાંથી નવલખી મેદાન સુધીનો 10 કિલોમીટરનો તેમજ નવલખી મેદાનથી કોઠી ચારલ રસ્તા થઇ ન્યાયમંદિર થઇ નવલખી મેદાન પરત ફરવાનો 5 કિલોમીટરનો રૂટ હતો.

મેરેથોનના આ રૂટ પર દોડવીરોને અડચણ ના થાય તે માટે 17 સભ્યો ધરાવતી એક એવી ચાર ટીમ ઢોરપાર્ટીની કામગીરી સાથે સંકળાયેલી છે ત્યારે 34 સભ્યો ધરાવતી બે ટીમ શનિવારે રાતે 12 વાગ્યાથી મેરેથોનના ચારેય રૂટ પર દોડતી કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, રવિવારે સવારે પણ ત્રીજી ટીમ મૂકી દેવામાં આવી હતી.

પાલિકાની ઢોરપાર્ટીએ રસ્તા પર ઢોર રઝળતા ન મૂકવા માટે ગોપાલકોને શનિવારે જ તાકિદ કરી હતી અને તેનુ પરિણામ એવુ આવ્યું કે નવલખી મેદાનથી ચંદન મલ્ટીપ્લેકસ સુધીના તેમજ નવલખી મેદાનથી ન્યાયમંદિરવાળા રસ્તા પર એક પણ ઢોર આવ્યુ જ નહીં.પાંચ કલાકની મેરેથોનના રૂટ પર રખડતા ઢોર ન આવે તે માટે પાલિકાની ઢોરપાર્ટીએ 12 કલાક સુધી પેટ્રોલીંગ કર્યુ હતુ ત્યારે આ સ્થિતિ આખુ વર્ષ જળવાઇ રહે તો શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ મળી શકે છે.

રવિવારે બપોર પછી બે અને સોમવારે છ ઢોર પકડાયા
મેરેથોન દોડ પૂરી થયા બાદ પુન: કરાયેલા ચેકીંગમાં રસ્તે રઝળતા બે ઢોર પાલિકાની ઢોર પાર્ટીને મળી આવ્યા હતા. જયારે, સોમવારે એક સાથે ચાર ઢોર મળી આવતા તેને પકડીને ઢોરડબ્બે પૂરી દેવામાં આવ્યા હતા. પાલિકાની ઢોરવાડાની લાયસન્સ પધ્ધતિનો ચુસ્ત અમલ કરવામાં થઇ રહેલા વિલંબના પરિણામે રસ્તે રખડતા ઢોરની સમસ્યા ઓછી થઇ રહી નથી તેવુ મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...