તાંદલજાના તલાટી અમિત દેસાઈની જિલ્લામાં બદલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીતા ગોરડિયાના મિલકત પ્રકરણમાં તાંદલજા વિસ્તારના તલાટી અમિત દેસાઈની બદલી કરી વડોદરા જિલ્લા પંચાયત હસ્તક મૂકવામાં આવ્યાં છે. કલેક્ટર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તલાટી સામે યોગ્ય વહીવટી પગલાં ભરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. અશાંતધારાની પરવાનગી આપતાં પહેલાં તલાટી અમિત દેસાઈઅે કેસરબાગ સોસાયટીમાં ના રહેતા હોય તેવા બે વ્યક્તિઓનાં પંચનામામાં નિવેદન લીધાં હતાં. જેના આધારે અશાંતધારાની પરવાનગી આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, અશાંતધારા પ્રકરણમાં અભિપ્રાય આપનારા જે.પી.પોલીસ સ્ટેશનના પીઆઈ અેન.અેમ.બ્રહ્મભટ્ટની બદલી કરાઇ હતી. કેસરબાગ સોસાયટીના રહીશો દ્વારા આ પંચનામામાં બહારની વ્યક્તિઓનાં નિવેદનો લીધાં હોવાનો ઘટસ્ફોટ કરતાં સંપૂર્ણ મામલો સામે આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, કેસરબાગ સોસાયટીના રહીશોની રજૂઆતના પગલે મામલતદાર પશ્ચિમને તપાસ સોંપવામાં આવી હતી. મામલતદારની તપાસમાં બહાર આવ્યું હતું કે, અશાંતધારાની મંજૂરીના કાગળો તૈયાર કરતી વખતે તાંદલજાના તલાટી દ્વારા ખોટાં સરનામાં દર્શાવીને નિવેદનો લીધાં હતાં. તલાટીના અહેવાલમાં પણ અમુક ખામીઓ જોવા મળી હતી. જેના કારણે તલાટીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે અને તેની સામે સમુચિત વહીવટી પગલાં ભરવા માટે જિલ્લા પંચાયતને ભલામણ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, કેસરબાગ સોસાયટીના રહીશોઅે રજૂઆત કરી હતી. આ સાથેસાથે તાંદળજાના તલાટી દ્વારા અશાંતધારાના કાયદા હેઠળ લીધેલા પંચનામામાં કેસરબાગ સોસાયટીમાં ન રહેતા અેવા સુરજ શેઠ સહિત બે વ્યકિ્તઓનાં નિવેદન લીધાં હોવાની પણ રહીશોઅે રજૂઆત કરી હતી.

નાના-મોટા તમામ અધિકારીઓમાં ફફડાટ
ગીતા ગોરડિયાની મિલકત પ્રકરણમાં મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓને ખખડાવી યોગ્ય કાર્યવાહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જે બાદ તુરંત જ જે.પી.પોલીસ સ્ટેશનના પીઆઈ બ્રહ્મભટ્ટની બદલી કરાઈ હતી. જે બાદ શુક્રવારના રોજ કલેક્ટર દ્વારા તલાટીની પણ બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અશાંતધારાની કામગીરી સાથે જોડાયેલા તમામ વિભાગના નાના-મોટા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરાય તેની તલવાર લટકતાં તેઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

કેસરબાગ નજીક શિવાશ્રય સોસાયટીના રહીશો SSRDમાં પિટિશન ફાઈલ કરશે
કેસરબાગ પાસે આવેલ શિવાશ્રય સોસાયટીમાં પણ અેક રહીશે વિધર્મીને મકાન વેચી દેવાનો મામલો સામે આવ્યો છે. સોસાયટીના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરીને વેચાણ દસ્તાવેજ રદ કરવા માંગ કરી છે. સોમવારે રહીશો કલેક્ટરની મુલાકાતે જશે. જ્યારે શિવાક્ષય સોસાયટીના રહીશો અેસઅેસઆરડીમાં પિટિશન માટેની પણ તૈયારીઓ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...