પાલિકાનાે સ્ટાફ રોજ 5 કિમી.ની ફેરણી કરી સમસ્યાનો તાગ મેળવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
18 લાખની જનસંખ્યા અને 159.50 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા શહેરની સમસ્યાઓનો ચિતાર મેળવવા માટે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે દૈનિક ઓછામાં ઓછી પાંચ કિલોમીટરની ફેરણી કરી રિપોર્ટ કરવા માટે વર્કશીટ ઇસ્યુ કરી છે. આ ફેરણીમાં 7 વિભાગોને જોડ્યા છે અને તેમાં ફરિયાદ માટે ઉપરી અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

તા.31 જુલાઇના રોજ શહેરમાં એક સાથે 20 ઇંચ વરસાદ ખાબકયો હતો અને ત્યારબાદ 10 દિવસમાં જ બીજી વખત પૂર આવ્યું હતું. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે શહેરીજનોને જાનમાલની ખુવારી ભોગવવી પડી હતી તો રસ્તામાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રાજય સરકારે તાજેતરમાં રસ્તાના સમારકામ માટે 35 કરોડ રૂપિયાની જોગવાઇ કરતી જાહેરાત કરી હતી પણ હજી સુધી તેની સત્તાવાર ફાળવણી કરી નથી. દોઢ મહિના સુધી પાલિકાને કાયમી મ્યુનિ. કમિશનર મળ્યા ન હતા પણ બે સપ્તાહ પહેલા નિમાયેલા મ્યુનિ.કમિશનર નલિન ઉપાધ્યાયે પાલિકાના જુદા જુદા વિભાગોનો અભ્યાસ શરૂ કરવા પ્રેઝન્ટેશન બેઠકો શરૂ કરી છે અને પહેલી વખત સાત વિભાગોની ફિલ્ડ કામગીરીનો તાગ મેળવવા માટે ડેઇલી વર્કશીટનો પ્રયોગ અમલમાં મૂકયો છે. જેમાં, રોડ, પાણી પુરવઠા,ડ્રેનેજ, સેવરેજ, સ્ટ્રીટલાઇટ, સેનિટેશન અને આરોગ્ય વિભાગનો સમાવેશ થાય છે. આ 7 વિભાગોના કર્મચારીઓએ દરરોજ પાંચ કિલોમીટરનો વિસ્તાર (આંતરિક-બાહ્ય) જોવાનો રહેશે અને તેનું નિરીક્ષણ ઉપરી અધિકારીએ કરવાનું રહેશે અને ત્યાં સોલ્યુશન બતાવ્યા બાદ પણ જો કોઇ ફરિયાદ આવશે તો તેની જવાબદારી ઉપરી અધિકારીની રહેશે તેવી સ્પષ્ટ નોંધ વર્કશીટમાં આપવામાં આવી છ.ે

દૈનિક કામગીરીની વર્કશીટમાં શું છે?
રોડ,પાણી,ગટર,વરસાદી ગટર, સ્ટ્રીટલાઇટ, સફાઇ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પૂરતી વર્કશીટમાં સંબંધિત કર્મચારીનુ નામ, હોદ્દો, વોર્ડ,ઝોન, શાખાનુ નામ, તારીખનો ઉલ્લેખ કરવાનો છે. આ કર્મચારીએ કયાંથી કયાં સુધીના વિસ્તારની મુલાકાત લીધી, શું સમસ્યા હતી ? નિરાકરણ લાવ્યું કે કેમ ? તેનો ઉલ્લેખ કરીને તેમાં સહી કરવાની રહેશે. આ વર્કશીટમાં સંબંધિત ઉપરી અધિકારી અને ડેપ્યુટી કમિશનરે પણ સહી કરવાની છે.

કેમ આવંુ કરવાની જરૂર પડી
ઓનલાઇન ફરિયાદથી લઇને લેખિત અરજીવાળી ફરિયાદ આવે તો તેનો નિકાલ કાગળ પર જ બતાવતો હોવાની ભૂતકાળમાં ફરિયાદો થઇ હતી. ડ્રેનેજ ઉભરાતી હોવાની કે કચરાની સફાઇની કામગીરી સ્પોટ પર અધૂરી હોવા છતાં તેને પૂરી થઇ હોવાના દાવા ઘણી વખત પોકળ સાબિત થતા હતા. જેથી, આવી કામગીરીમાં ડેપ્યુટી કમિશનર સુધીની જવાબદારી નક્કી થાય તે માટે મ્યુ.કમિશનર નલિન ઉપાધ્યાયે વર્કશીટ અમલમાં મૂકી છે.

ફરિયાદોના નિકાલ માટે જો ફિલ્ડમાં જાવ તો કામ કયાં થયું તેની ખબર પડે
 સફાઇ,સ્ટ્રીટલાઇટ,ગટર જેવી બાબતો ફિલ્ડની છે અને તેની અસર સીધી જોવા મળતી હોય છે. આવી બાબતોની ફરિયાદનો નિકાલ કરવા માટે જે તે કર્મચારીને ફિલ્ડમાં જવું ફરજિયાત છે અને તેનો નિકાલ થયો છે તો યોગ્ય રીતે થયો છે કે નહીં તેનો કયાસ મેળવવા માટે સાત વિભાગો માટે ડેઇલી વર્કશીટ અમલમાં મૂકવામાં આવી છે અને તેનું નિયમિત રીતે નિરીક્ષણ પણ કરવામાં આવશે. નલિન ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશનર

અન્ય સમાચારો પણ છે...