તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનંદા પટેલના રૂા.27.50 કરોડના બંગલાનો બારોબાર સોદો કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરઆઇ લોપા દવેની મિલકતના કૌભાંડમાં તેમના કાકી સુનંદા પટેલનો રેસકોર્સ સ્થિત રૂા. 27.50 કરોડના પરમ બંગલાનો તેમની જાણ બહાર 2 દસ્તાવેજ કરી દેવાના મામલે ગુરુવારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જમીન દલાલ દિલીપ પટેલ અને કોન્ટ્રાક્ટર ધર્મવીર સહિત 8 સામે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાતે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા વકીલ સામે પણ ગુનો નોંધવા કવાયત ચાલી હતી.

સુનંદા પટેલનો રૂા. 27.50 કરોડનો બંગલો દિલીપ પટેલ અને ધર્મવીરે અમેરિકાના પરેશ નટુભાઇ પટેલને રૂા. 1.15 કરોડમાં વેચી દીધો હતો. તેણે આ બંગલો અમદાવાદના વિપુલ રૂપાપરાને રૂા. 1.75 કરોડમાં વેચ્યો હતો. બંને દસ્તાવેજ તેમની જાણ બહાર જ થઇ ગયા હતાં. દિલીપ પટેલે રૂા. 100 ના સ્ટેમ્પ પેપર પર આણંદના નોટરી મુખત્યાર વ્હોરા સાથે મેળાપીપણામાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ઠગાઇ કરી હતી. ટોળકીએ તેમની જાણ બહાર પેટલાદની બેંકના ખાતામાં 1 કરોડ રૂપિયા જમા કરાવી દીધા હતાં.

લોપા દવેના કેસમાં આરોપી એવા સુનંદા બહેનને પોલીસે સાક્ષી બનાવી મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન પણ લેવડાવ્યું હતું. તેમણે ગત 2 જાન્યુઆરીએ પોલીસ કમિશ્નરને અરજી અાપી 13 જણ સામે ગુનો નોંધવા માગણી કરી હતી. ગોત્રી પોલીસે ભેજાબાજ દિલીપ શંકર પટેલ, ધર્મવીર જાડેજા, યુએસએના પરેશ નટુ પટેલ, નોટરી મુખત્યાર વ્હોરા, ચિરાગ,ભાવિન, બસીર દીવાન અને વિપુલ રૂપાપરા વિરૂદ્ધ ગુનો નોંધાવાની કવાયત કરી હતી. જોકે, વકીલ સામે ગુનો નોંધાયો છે કે કેમ તે મોડી રાત સુધી સ્પષ્ટ થયું ન હતું.

ભેદીએ મૂળ દસ્તાવેજ રિ-સ્કેન કરી 11 પેઇજ ફરી અપલોડ કર્યાં
કરોડોની મિલકતના કેસમાં અકોટા સબ રજીસ્ટ્રાર કચેરીના સબ રજીસ્ટ્રાર એસ.બી.ભેદીએ અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજીની ગુરુવારે યોજાયેલ સુનાવણીમાં ક્રાઇમ બ્રાન્ચે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે આગોતરા જામીન આપવાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે સબ રજીસ્ટ્રારે ઓફિસ અવર્સ બાદ ગાંધીનગરથી ઓટીપી મંગાવી મુળ દસ્તાવેજના 11 પાના બદલી રી સ્કેન કરી રિઅપલોડ કર્યા હતા. તપાસ અધિકારીએ જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે સબ રજીસ્ટ્રારે કાયદા વિરુદ્ધ જઇને ગુનાહિત કૃત્ય કર્યું છે આ આગોતરા જામીન અરજીની વધુ સુનાવણી 17મીએ હાથ ધરાશે.

2017ના સ્ટેમ્પ પેપરમાં 2012માં નોટરી કરેલો દસ્તાવેજ બનાવ્યો
મિલકતના કેસમાં ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયેલા આણંદના નોટરી મુખ્તાર વહોરાએ કરેલી જામીન અરજીને અદાલતે ફગાવી દીધી હતી. પોલીસે કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે નોટરી મુખ્તાર વહોરાએ 2017ના વર્ષમાં બહાર પડેલ સ્ટેમ્પ પેપર ઉપર 2012ના વર્ષમાં નોટરી કરેલો હોય તેવો બોગસ દસ્તાવેજ બનાવ્યો હતો. તેણે પોતાના નોટરીના રજિસ્ટરમાં અગાઉથી છોડવામાં આવેલ જગ્યામાં મેનેજ કરી તેમાં નોંધણી કરી હતી અને બોગસ દસ્તાવેજ ઉભો કર્યો હતો. સુનાવણીમાં સરકારી વકીલ રમેશ ગ્યાનચંદાની હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...