Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેનાલ પર ફોટોગ્રાફી કરવાની ઘેલછામાં વિદ્યાર્થી તણાયો
છાણી પ્રકૃતિ રિસોર્ટ નજીક આવેલી કેનાલમાં ધુળેટીના દિવસે બપોરે નવાયાર્ડના 3 યુવકો ફોટોગ્રાફી કરતી વેળાએ ધો.10નો વિદ્યાર્થી કેનાલના પાણીના વહેણમાં તણાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે પાણીમાં ગરકાવ થયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે વિદ્યાર્થીનો પત્તો લાગ્યો ન હતો. એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરવા માગ કરાઈ હતી.
નવાયાર્ડના રોશનનગરમાં રહેતો 15 વર્ષનો અરબાઝ પઠાણ તેના મિત્ર ઇમરાન અને અલ્તાફ સાથે ધુળેટીએ છાણી કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. જ્યાં તેઓ હાથ-પગ ધોવા કેનાલમાં ઉતર્યા હતા. કેનાલના દાદરા પરથી પાણીમાં ઉતરી ફોટોગ્રાફી કરતી વેળાએ ધો.10નો વિદ્યાર્થી અરબાઝ એકાએક પાણીમાં તણાયો હતો. તેને તણાતો જોતાં બંને મિત્રોએ બુમરાણ મચાવતાંં ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસર સહિતની 15 જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમની એક ટીમે પ્રકૃતિ રિસોર્ટ નજીક અરબાઝને શોધવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે પાણીનું વહેણ વધારે હોવાથી બીજી ટીમે રેલવેથી ગંગાનગર અંકોડિયા તરફની કેનાલ તરફ શોધખોળ શરૂ કરી હતી. જોકે ગઈકાલે અને આજે એમ બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ પણ અરબાઝની ભાળ મળી ન હતી. અરબાઝના પિતા સફિક પઠાણે જણાવ્યું કે, અરબાઝ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો હતો. તેના બે પેપર પૂર્ણ થયા હતા, આજે તેનું ગણિતનું પેપર હતું.
ધુળેટીએ છાણી કેનાલમાં 3 મિત્ર હાથ-પગ ધોવા ઊતર્યા હતા
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બે દિવસથી શોધખોળ જારી
કેનાલમાં એક નહીં પણ બે યુવકો તણાયા હતા
ઘટના સમયે ત્યાં નજીકમાં રહેલા પરવેઝ શેખના જણાવ્યા અનુસાર ત્રણ મિત્રો કેનાલમાં હાથ-પગ ધોવા ઉતર્યા હતા. જેમાંથી એક મિત્રે ફોટા પાડવા કહેતા તેમાં બે મિત્રો લપસ્યા હતા. બે પૈકીના એકે કેનાલમાં ઘાસ પકડી લેતાં તે બચી ગયો હતો, જ્યારે અન્ય યુવક તણાઈ ગયો હતો.
_photocaption_છાણી નર્મદા કેનાલમાં ડૂબેલા ધોરણ 10ના વિદ્યાર્થીની ફાયરબ્રિગેડના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી.*photocaption*