તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાણી દીક્ષાની ખાણ : દર ચાર જૈનોમાં એક દીક્ષાર્થી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનું છાણી ગામ આજે દેશભરમાં દીક્ષાની ખાણ તરીકે ઓળખાય છે. દેશમાં વસતો કોઈ પણ જૈન આરાધકને દીક્ષા લેવાની ભાવના થાય તો તે છાણીના દીક્ષા દાનેશ્વરી શ્રી શાંતિનાથ ભગવાનની શરણે આવે છે. ભગવાન દીક્ષા દાતા હોવાથી જૈન આરાધકને દીક્ષા મળી જતી હોવાથી આજે છાણી ગામમાં કુલ 225 આરાધકોએ દીક્ષા ગ્રહણ કરી છે. છાણી ગામમાં 30 હજારની વસ્તી સામે જૈનોની સંખ્યા 625ની છે,જેમાંથી 167 જૈનોએ દીક્ષા લીધી છે. આમ છાણીના 4 જૈન શ્રધ્ધાળુમાંથી 1 જૈનએ દીક્ષા લીધી હોવાનું છાણી જૈન સંઘના પ્રમુખ મુકેશભાઈ સંઘવીએ જણાવ્યું છે. મુકેશભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, છાણીના 167 દીક્ષાર્થીમાંથી આજે 20 આચાર્ય ભગવંતો તરીકે પુજાય છે. જ્યારે છાણીમાં બહારગામના 58 આરાધકોએ પણ દીક્ષા લીધી છે.છાણીમાં જ્યારે પણ દીક્ષા યોજાય ત્યારે ભગવાન મુકવા માટે હાથીદાંતની પાટલી ધરાવતી ચાંદીની નાણ પર જ દીક્ષા થયેલી છે. આ પ્રકારની ચાંદીની નાણ સંપુર્ણ ભારતમાં માત્ર છાણી જૈન સંઘ પાસે છે.દેશમાં માત્ર છાણી જ એક એવું ગામ છે જેમાં કાયમ આયંબિલ ખાતુ ચાલી રહ્યું છે.

શાંતિનાથ ભગવાન દીક્ષા દાતા હોવાથી છાણી ગામમાં આરાધકો આવે છે
મુકેશભાઈ સંઘવીએ જણાવ્યું કે,છાણી ગામમાં આવેલા 123 વર્ષ પ્રાચીન શ્રી શાંતીનાથ સ્વામી જીનાલયમાં રેતીમાંથી બનાવેલી શ્રી શાંતીનાથ ભગવાનની પ્રતિમા તેમજ 168 વર્ષ પ્રાચીન શ્રી વિમલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આવેલી છે. જૈન શાસ્ત્રો મુજબ છાણી ગામમાં બિરાજમાન શ્રી શાંતીનાથ ભગવાન દીક્ષા દાતા હોવાનું મનાય છે.શ્રધ્ધાળુઓ દીક્ષા લેવાની ભાવના સાથે શાંતીનાથ ભગવાનના દર્શને આવે છે તેને ભગવાન દીક્ષા આપતા હોવાનું મનાય છે. જેના પગલે જ છાણી તેમજ બહારગામથી પણ જૈન શ્રધ્ધાળુઓ દીક્ષા લેવા માટે છાણી ગામમાં આવે છે.

જેને 108 પાર્શ્વનાથની જાત્રા કરવી હોય તો તેને છાણી આવવું જ પડે છે
મુકેશ શાહના જણાવ્યા અનુસાર, છાણીના શાંતિનાથ સ્વામી જીનાલયમમાં બિરાજતા શ્રી વિમલ પાર્શ્વનાથ ભગવાનનું નામ 108 પાર્શ્વનાથમાં ગાજે છે. જેથી દેશમાં કોઈ પણ જૈન સમુદાયના શ્રધ્ધાળુને 108 પાર્શ્વનાથની જાત્રા કરવી હોય તો તેને છાણીના શ્રી વિમલ પાર્શ્વનાથ ભગવાનના દેરાસર ખાતે દર્શન કરવા આવવું પડતું હોવાનો મહિમા છે.

પરિવારમાં મોટાભાગના સભ્યોએ દીક્ષા લીધી
શાંતીલાલ છોટાલાલ પરિવાર - 12 દીક્ષા

સોમચંદ ગીરધરદાસ પરિવાર- 9 દીક્ષા

ચુનીલાલ માણેકલાલ પરિવાર- 9 દીક્ષા

મોહનલાલ મોતીલાલ પરિવાર - 9 દીક્ષા

રમણલાલ દલસુખભાઈ - 7 દીક્ષા

અન્ય સમાચારો પણ છે...