રેગ્યુલરનું કહી જોધપુર -બાન્દ્રા ટ્રેનને સ્પે.ગણાવી, વધુ ભાડું લીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

ગણિતમાં કોઇ સંખ્યા અાગળ ‘0’ની કોઇ કિંમત નથી. પરંતુ રેલવેમાં ટ્રેનના નંબર અાગળ ઝીરો લાગે તો વધુ અાવકનો ફોર્મ્યુલા બને છે. ઝીરો નંબરથી શરૂ થતી ટ્રેન સ્પે. ટ્રેન હોય છે. જેનું ભાડું વિશેષ હોય છે. રેલવે દ્વારા અા ઝીરો ફોર્મ્યુલા અપનાવી ગત માર્ચ મહિનામાં રેગ્યુલર ટ્રેન તરીકે 14817 નંબરની જોધપુર -બાન્દ્રા ટ્રેન ચલાવવાની જાહેરાત કર્યા બાદ ટ્રેનને 04817 નંબરથી વિશેષ ટ્રેન તરીકે ચલાવી મુસાફરો પાસેથી વધુ ભાડું ઉઘરાવ્યું છે.

રેલવે દ્વારા સાત મહિના અગાઉ જાહેર કરેલી ટ્રેનને સાત મહિનાથી સમર સ્પેશિયલ અને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવી મુસાફરો પાસેથી વધુ ભાડું પડાવાય છે. જ્યારે ફરી અેક વખત 2 અોક્ટોબરથી નિયમિત ટ્રેન તરીકે ચલાવવામાં અાચારસંહિતાનું વિઘ્ન જણાવાઇ રહ્યું છે. રેલવે દ્વારા અાગામી 29 નવેમ્બર સુધી સ્પેશિયલ ટ્રેન તરીકે અા ટ્રેન ચલાવવા નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા ભગતકી કોઠીથી બાન્દ્રા સુધી સપ્તાહમાં બે દિવસ 14717 ટ્રેન ચલાવવાની જાહેરાત કરાઇ હતી જે પરતમાં 14817 થાય છે. પરંતુ તે બદલી 04717 કરાઇ હતી. રેલવે અા ટ્રેન દ્વારા 58 લાખ રૂપિયા વધુ કમાયા છે. નવેમ્બર સુધી 75 લાખ રૂપિયા વધુ કમાશે.

જોધપુરથી વડોદરા સુધી અા ટ્રેનમાં સ્લીપરમાં રૂ. 80 થર્ડ અેસી માં રૂ. 260 અને થર્ડ અેસીમાં રૂ. 335 વધુ ભાડું થાય છે.પશ્ચિમ રેલવે ના પીઆરઓ રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે હાલમાં મહારાષ્ટ્રની ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાથી હાલ હું કાંઇ નહીં કહી શકું.

અન્ય સમાચારો પણ છે...