તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંગ બજારોમાં નિરસ ખરીદી, શનિ- રવિમાં ધસારાની શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના માંડવી-ગેંડીગેટ રોડ પર આવેલ મુખ્ય પતંગ બજારમાં નિરસ ખરીદીના પગલે હાલ મંદી જેવો માહોલ સર્જાયો છે. જ્યારે બીજી તરફ શનિ-રવિવારની રજાઓમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ-દોરાની ખરીદી જામે તેવી વેપારીઓને આશા છે. ચાલુ વર્ષે જીએસટી અને રો-મટીરીયલની ઉણપના કારણે પ્રતિ 100 પતંગો 280 થી 320ના ભાવે વેચાઈ રહી છે.

પતંગ બજાર એસોશીયેશનના મંત્રી અતુલ છત્રીવાલાએ જણાવ્યું કે, દર વર્ષે ગેંડીગેટ રોડ પર પતંગ બજારમાં ઉત્તરાયણના પર્વના અઠવાડિયા પહેલાથી જ ખરીદીની રોનક જોવા મળે છે. પરંતું ચાલુ વર્ષે ઉત્તરાયણના પર્વને બે દિવસ બાકી છે ત્યાં સુધી ખરીદી જામી નથી. થોકબંધ વેપાર કરતા વેપારીઓ પોતાની દુકાનમાં ગ્રાહક આવે તેની રાહ જોયા કરે છે.જ્યારે રોડ પર પથારા પાથરી પતંગ,ટોપી,ભુંગડા વેચતા વેપારીઓ રાતે 9 વાગે તો પથારો ખંખેરીને ઉભા થઈ જતા જોવા મળી રહ્યાં છે.

વેપારીઓને આશા છે કે શહેરીજનો શનિવાર અને રવિવારની રજા હોવાથી પતંગ-દોરાની ધુમ ખરીદી કરશે. અતુલભાઈએ વધુમાં જણાવ્યું કે, વડોદરામાં કુલ 500 કુટુંબો પતંગો બનાવે છે. પરંતું તેઓ પાસે કોલકત્તાથી વાસની સળીઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ન આવતા તેઓ પણ પતંગો ઓછી બનાવી શક્યાં છે જેથી તેઓ પણ પુરતી રકમ કમાઈ શક્યાં નથી. જ્યારે વડોદરાના પતંગ બજારનું કુલ ટર્ન ઓવર 5 કરોડનું છે.શનિ- રવિની રજામાં પતંગોની ખરીદી નીકળે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે. ચાલુ વર્ષે શહેરીજનોમાં તૈયાર ફિરકીઓની ડિમાન્ડ વધી ગઈ છે. શહેરીજનો જો રીલ અને ફિરકી ખરીદ્યા બાદ દોરો જાતે સુતાવે તો તેને રૂ.500 થી 600નો ખર્ચો થાય છે. જ્યારે દોરીને સુતાવવા માટે શહેરીજનોનો ખાસ્સો સમય પણ બગડે છે. બીજી તરફ અલગ અલગ કંપનીના સુતાયેલા દોરાની તૈયાર ફિરકીઓ બજારમાં વેચાવા માંડી છે, જે રૂ.400 સુધીમાં મળી જતી હોય છે. જેના પગલે શહેરીજનો દોરો સુતાવવા કરતા તૈયાર ફિરકી લેવાનો આગ્રહ વધુ રાખી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...