પોર પાસે મેઘાકૂઇમાં ચોર ઝડપાઈ જતાં લોકોએ થાંભલે બાંધી માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોર પાસેના મેઘાકૂઇમાં શનિવારે મોડી રાત્રે મકાનમાં ચોરી કરવા ઘૂસેલા આમોદના તસ્કરને સ્થાનિકે ઝડપી પાડ્યા બાદ 10 થી 15 જણના ટોળાએ તેને દોરડા વડે થાંભલા સાથે બાંધી ફટકારતાં તેેને ઇજા થઇ હતી.

મેઘાકૂઇ ગામના સુથાર ફળિયાના ખેડૂત ભદ્રેશ રામા પરમારનો પરિવાર શનિવારે રાત્રે ઘરમાં સૂઇ ગયો હતો. પુત્ર જંબુસરના કોળા ગામે મિત્રના લગ્નમાં ઘરે ગયો હતો. મોડી રાત્રે 3:30 કલાકે તે ઘરે પરત ફરતાં દરવાજા ખુલ્લા હતા. તેણે ઘરમાં જઇ લાઇટ ચાલુ કરતાં બે તસ્કરો હતા. જે પૈકી એકને મેહુલે પકડી લીધો હતો. તસ્કરે ચોરીના દાગીના મૂકેલી રૂમાલની પોટલી તેના સાગરીત તરફ ફેંકતાં તે લઇને ભાગી ગયો હતો. મકાનમાંથી રોકડ અને દાગીના સહિત રૂા. 1.96 લાખની ચોરી થઇ ગઇ હોવાની ખેડૂતે ફરિયાદ કરી હતી. સામા પક્ષે આમોદ નવીનગરીના ખાલીદ વલ્લી મુસા પટેલે પણ ફરિયાદ કરી કે, 11મીએ સાંજે મૂળ આમોદનો અને હાલ જંબુસર પાસેના કલક ગામે રહેતા મિત્ર રાજેશ રમણ રાઠોડની બાઇક પર બંને ચોરી કરવા નીકળ્યા હતાં. રાજેશે અગાઉથી મેઘાકૂઇ ગામનું ઘર જોયેલું હોઇ ત્યાં બાઇક મૂકી હતી. તેણે સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી દાગીના અને રોકડ લઇ તેના હાથ રૂમાલમાં મૂકી પોટલી બાંધી દીધી હતી. તે ઉપરના માળે ચોરી કરવા જતાં એક છોકરો બાઇક લઇને આવ્યો હતો. તેઓ ભાગવાની કોશિશ કરતાં આ છોકરાએ તેને પકડી લીધો હતો. તેણે દાગીનાની પોટલી મિત્ર રાજેશ તરફ ફેંકતાં તે લઇને ભાગી ગયો હતો. દરમિયાન બૂમાબૂમ થતાં ઘર તેમજ ફળિયાના લોકો દોડી આવ્યા હતા. ટોળાએ તેને થાંભલા સાથે દોરડાથી બાંધી ડંડા, પટ્ટાથી ફટકારી તીક્ષ્ણ હથિયારથી માર્યો હતો. દરમિયાન પોલીસ આવી જઇ તેને છોડાવી સારવાર માટે લઇ ગઇ હતી. પોલીસે ખાલીદની ફરિયાદથી ટોળા સામે રાયટિંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...