• Gujarati News
  • National
  • Vadodara News Para Medical Technician Departments At Government Hospitals Rely On Outsourcing Staff 074516

સરકારી હોસ્પિટલોમાં પેરા મેડિકલ-ટેક્નિશિયન વિભાગ આઉટસોર્સિંગ કર્મચારીઓના ભરોસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાની ત્રણ મોટી સયાજી હોસ્પિટલ, ગોત્રી જીએમઇઆરએસ અને જમનાબાઇ હોસ્પિટલમાં દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવતા અને મહત્વની જગ્યાઓ પર કોન્ટ્રાક્ટના કર્મચારીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ ત્રણેય હોસ્પિટલોમાં સંખ્યાબંધ જગ્યાઓ ખાલી હોવાથી હોસ્પિટલની કામગીરીને અસર પડી રહી છે. સયાજી હોસ્પિટલમાં પેરામેડિકલ-ટેક્નિકલ સ્ટાફની કુલ 154 જગ્યાઓમાંથી લગભગ ત્રીજા ભાગની 51 જગ્યાઓ ખાલી છે. જેમાં એક્સરે ટેક્નિશિયન્ની જ 16માંથી 10 જગ્યાઓ ખાલી છે.

બીજી તરફ હોસ્પિટલોની પેરામેડિકલ સેવાઓ અને એક્સરે, રેડિયોલોજી ટેક્નિશિયન જેવી મહત્વની જગ્યાઓ પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી ભરવાનો વારો આવ્યો છે. એસએસજી હોસ્પિટલમાં 17માંથી 8 લેબ ટેક્નિશિયન કોન્ટ્રાક્ટ પર છે. 17માંથી 14 જુનિયર ફાર્માસિસ્ટ કોન્ટ્રક્ટ પર છે. શહેરની હોસ્પિટલો પૈકી ગોત્રીમાં તો 30 સ્ટાફનર્સ, ઇસીજી ટેક્નિશિયન, રેડિયોટેક્નિશયન (7) અને એનેસ્થેસિયા ટેક્નિશયન(8) અને સિટી સ્કેન મશીનના ટેક્નિશયનો પણ હંગામી આઉટસોર્સિંગ કર્મચારીઓના ભરોસે છે. સાતમા પગાર પંચમાં નિયમિત અને કાયમી કર્મચારીઓના પગારધોરણ એટલા ઊંચા રાખવામાં આવ્યાં છે કે આર્થિક ભારણથી બચવા માટે આ પ્રયુક્તિ તમામ હોસ્પિટલો જ નહીં, શૈક્ષણિક સંસ્થાઓ પણ અજમાવવામાં આવી રહી છે. જેને કારણે યુવાનોને મજબૂરીમાં ઓછા પગારે કામ કરવું પડે છે. ઉલ્લેખનીય છે કે, ચેપી રોગની હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર એક પણ નર્સિંગ કે તબીબી સ્ટાફ કોન્ટ્રાક્ટ પર નથી.

ફાર્મસિસ્ટ ઓછા હોવાથી નર્સિંગ સ્ટાફને દવા આપવાની કામગીરી

ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં ફાર્મસિસ્ટ ઓછા હોવાને લીધે છેલ્લા કેટલાક મહિનાઓથી ડિસ્ચાર્જ લેતા દર્દીઓને દવાઓ આપવાની જવાબદારી નર્સિંગ સ્ટાફને આપવામાં આવી છે. જેનો નર્સિંગ વર્તુળમાં જ ઉગ્ર વિરોધ હતો. આ બાબતની રજૂઆત નર્સિંગ સ્ટાફ દ્વારા એસોસિયેશનને પણ કરવામાં આવી છે. તાજેતરમાં એસોસિયેશનના એક ઉચ્ચ હોદ્દેદાર ગોત્રી હોસ્પિટલમાં આવ્યા ત્યારે આ અંગે સામૂહિક રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતનો ઉકેલ સત્વરે લાવવા માટેની નર્સિંગ સ્ટાફને ખાતરી આપવામાં આવી હતી.

SSG હોસ્પિટલમાં આટલી જગ્યાઓ ખાલી છે, પછી દર્દીઓ અટવાય જ ને !

એસએસજીમાં બાયોમેડિકલ વેસ્ટના વ્યવસ્થાપન સામે છાશવારે પ્રશ્નાર્થો સર્જાતા હોય છે. ખાસ કરીને ડોમેસ્ટિક કચરામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે તેવી ફરિયાદો પાલિકા એસએસજીને ભૂતકાળમાં કરી ચૂક્યું છે. તાજેતરમાં ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિડોની ટીમ બાયોમેડિકલ વેસ્ટના વ્યવસ્થાપનનું મૂલ્યાંકન કરી રહી છે. પણ એસએસજીમાં બાયો મેડિકલ એન્જિનિયરની બે જગ્યાઓ મંજૂર થઇ છે. ઇન્સિનરેટર ઓપરેટર પણ મૂકાયો નથી. છતાં તેને ભરવાની તસ્દી લેવામાં આવતી નથી.એસએસજી હોસ્પિટલમાં ડેન્ટલ હાઇજિનિસ્ટ, ઇલેક્ટ્રોનિક ટેક્નિશિયન, અને દર્દીઓની વિવિધ આંકડાકીય માહિતી રાખનાર બાયોસ્ટેશિયન પણ નથી. તાજેતરમાં બોઇલરો ફાટવાની ઘટનાઓ બની છે. જેમાં તેની કામગીરી યોગ્ય તાલીમ પામેલી વ્યક્તિઓને ન અપાતી હોવાનું તપાસમાં બહાર આવે છે. એસએસજીમાં પણ બોઇલર આસિસ્ટન્ટ અને બોઇલર એટેન્ડન્ટ જેવી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ઓર્થોટિક એન્ડ પ્રોસ્થેટિક ફિટર ન હોવાથી અસ્થિભંગનો ભોગ બનેલા દર્દીઓને તકલીફ પડે છે. કેટલાક અઠવાડિયા અગાઉ હોસ્પિટલમાં દર્દીઓના બેડની ચાદરો ફાટેલી હોવાની સુપરિન્ટેન્ડન્ટે ટીકા ચેકિંગ દરમિયાન કરી હતી. હોસ્પિટલમાં બે લિનન કીપરની જગા ખાલી છે.

‘જમનાબાઇ’માં હેલ્થ મિશન’ના તબીબોનું પણ આઉટ સોર્સિંગ

જમનાબાઇ હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતા 40 વ્યક્તિઓનો સ્ટાફ છે. આ સ્ટાફમાં આસ તબીબો પણ આઉટસોર્સ છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી, કાઉન્સિલર, ટ્રેનરો, હેલ્થ વર્કર્સનો સમાવેશ થાય છે. ફિક્સ પગારવાળા પણ અન્ય 30 લોકો જમનાબાઇ હોસ્પિટલમાં કામ કરે છે. જમનાબાઇ હોસ્પિટલમાં ક્લાસ વન કેટેગરીના 4 તબીબો ઓછા છે, ક્લાસ ટુના મંજૂર પૈકીના 10 ઓછા છે. જ્યારે ક્લાસ થ્રીના 22 કર્મીઓ ઓછા છે. આ સ્થિતિમાં આરોગ્ય સેવાને જ નહીં પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાવહાલાઓને વિવિધ ડોક્યુમેન્ટ્સ અને રિપોર્ટસ માટેની કાર્યવાહીમાં વિલંબનો સામનો કરવો પડે છે. પરિણામે લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. આગામી સમયમાં ઉનાળો આવશે ત્યારે આ હાલાકીમાં વધારો થશે.

ગોત્રી GMERSમાં ટેક્નિકલ સ્ટાફમાં આટલા કોન્ટ્રાક્ટના કર્મીઓ, કાયમી થવાની આશાએ નોકરી

સામાન્ય રીતે કોલેજ અને હોસ્પિટલ સાથે હોય ત્યારે કોલેજનો કેટલોક સ્ટાફ હોસ્પિટલમાં ફરજ બજાવતો હોય છે. આ સ્થિતિ ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં પણ જોવા મળે છે. ગોત્રી જીએમઇઆરએસ કોલેજ અને પેથોલોજી વિભાગમાં 17, માઇક્રોબાયોલોજીમાં 12, બાયોકેમેસ્ટ્રીમાં 12 અને એનાટોમી, પીએસએમ તથા ફોરેન્સિક મેડિસિનમાં પણ એક-એક કર્મચારી કોન્ટ્રાક્ટ પર જ કામ કરે છે. કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ કાયમી થવાની આશાએ ઓછા પગારમાં મજબૂરીમાં નોકરી કરતા હોય છે.

આરોગ્ય ક્ષેત્રે પૂરતું બજેટ ફાળવવામાં ન આવતાં સરકારી દવાખાનાઓમાં સુવિધા કેવી રીતે મળે ?

આ હાલત વિશે હોસ્પિટલ તંત્ર કહે છે કે સરકાર પૂરતું બજેટ ફાળવતી નથી અને જગ્યાઓ પણ ભરતી નથી આ સ્થિતિમાં આઉટસોર્સિંગ સ્ટાફ લેવો અનિવાર્ય બને છે. ઉલ્લેખનીય છે કે, 1964માં નિમાયેલા કોઠારી પંચની ભલામણ મુજબ રાજ્યના કુલ જીડીપીના 6 ટકા રકમ આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચાવી જોઇએ પણ રાજ્યમાં માંડ એક ટકો રકમ આ ક્ષેત્રે ખર્ચવામાં આવે છે. આરોગ્ય જેવી સેવાઓમાં પૂરતા રૂપિયા ન ખર્ચવાને લીધે લોકોને અસરકારક સેવાઓ મળી શકતી નથી.

વાસ્તવિકતા | શહેરના સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને જમનાબાઇ હોસ્પિટલમાં સંખ્યાબંધ જગ્યાઓ પણ ભરાતી નથી

દર્દીઓને લાઇનોમાં મિનિટો સુધી ઊભા રહેવુ પડે છે

સયાજી હોસ્પિટલમાં પેરામેડિકલ-ટેક્નિકલ સ્ટાફની 111 પૈકીની 51 જગ્યાઓ ખાલી છે, સરકારી બજેટ વિના દર્દીઓને મળતી સેવા કથળી રહી છે, દર્દીઓને બીનજરૂરી રાહ જોવી પડે છે, ઘણાખરા કિસ્સાઓમાં રિપોર્ટસ માટે અને તજજ્ઞ તબીબ ન હોવાથી બહારના ધક્કા ખાવા પડે છે.

_photocaption_સરકારી હોસ્પિટલોમાં એક તરફ દર્દીઓ ઊભરાઇ રહ્યાં છે તો બીજી તરફ તેમના માટે ફાળવાતા સ્ટાફની પૂરતી ભરતી કરવામાં આવતી નથી. *photocaption*
અન્ય સમાચારો પણ છે...