અઠવાડિયામાં વધુ 56 અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે શહેરમાં વધુ 56 અર્બન હેલ્થ સેન્ટર સાત દિવસમાં કાર્યરત કરવાની દિશામાં પાલિકાએ કવાયત આદરી છે અને તેના માટે 56 તબીબ અને 56 પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.

શહેરમાં પાલિકા સંચાલિત 34 અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે. 50 હજારની જનસંખ્યાએ એક અર્બન હેલ્થ સેન્ટરની સુવિધા રાખવાનો નિયમ હોવાથી વડોદરામાં 34 સેન્ટરનું આયોજન કરાયુ હતું. જોકે,રાજય સરકારના બજેટ ટાણે આરોગ્ય વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 10 હજારની વસ્તીએ હેલ્થ સેન્ટરની ભલામણ કરી હતી અને તેના કારણે રાજયભરમાં 1000 મહોલ્લા કલીનીક શરૂ કરવાનો સંકેત આપવામાં આવ્યો હતો. આ સંજોગોમાં,શહેરમાં આવેલી આંગણવાડીઓને પ્રાથમિકતા આપી ત્યાં નવા હેલ્થ સેન્ટર શરૂ કરવા માટે રાજયના આરોગ્ય વિભાગે સૂચના આપી હતી.જેના આધારે,વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગે આવા અર્બન હેલ્થ સેન્ટર માટે 11 મહિનાના કરાર આધારિત નિમણૂંક કરવા માટે ઓનલાઇન અરજી મંગાવી છે અને તેની શૈક્ષણિક લાયકાતની વિગત પાલિકાની વેબસાઇટ પર મૂકી છે. અર્બન હેલ્થ સેન્ટર માટે પ્રાઇવેટ પ્રેકટીશ કરતા તબીબોને પ્રાથમિકતા આપવામાં આવશે અને તેમના માટે માસિક રૂા.30 હજારનું ફિક્સ વેતન નક્કી કરેલુુ છે તો પેરા મેડિકલ સ્ટાફ માટે માસિક રૂા.10 હજારનું વેતન નક્કી કરાયું છે. 112 પોસ્ટ માટેની અરજી તા.31 સુધી કરી શકાશે. પાલિકાના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, અઠવાડિયામાં તમામ 56 અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવાનું આયોજન છે અને આ સેન્ટરમાં સાંજે પાંચથી રાતના નવ વાગ્યા સુધી ઓપીડી રહેશે.

આંગણવાડી હેલ્થ સેન્ટરમાં ફેરવાશે, સાંજે 5થી રાત્રે 9 સુધી ઓપીડી રહેશે

હાલની સ્થિતિને ધ્યાનમાં લઇ ઉતાવળ

રાજય સરકારે 10 હજારની વસ્તીએ એક ક્લિનિક શરૂ કરવા માટે સૂચના આપી હતી.હાલમાં 50 હજારની વસ્તી મુજબ વડોદરામાં 34 અર્બન હેલ્થ સેન્ટર્સ છે અને નવી ગાઇડલાઇન મુજબના અર્બન હેલ્થ ક્લિનિક કયાં બનાવવા તે અંગે નિર્ણય લેવાયો ન હતો. પરંતુ, હાલમાં જે સ્થિતિ છે તેને ધ્યાનમા રાખી નવા 56 હેલ્થ કિલનિક શરૂ કરવા તેમજ તેના માટેની ભરતી પ્રક્રિયા યુધ્ધના ધોરણે આદરી છે. > ડો. દેવેશ પટેલ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, પાલિકા

કોરોના સામે તૈયારી/ 56 ડોક્ટર અને 56 પેરામેડિકલ સ્ટાફની નિમણૂક માટે 31મી સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
અન્ય સમાચારો પણ છે...