• Gujarati News
  • સેવાસદનની ચૂંટણી જીતતાં યુનિ.ના 5 કર્મીની નોકરી છૂટશે

સેવાસદનની ચૂંટણી જીતતાં યુનિ.ના 5 કર્મીની નોકરી છૂટશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર . વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં વિવિધ ફેકલ્ટીમાં ફરજ બજાવતાં પાંચ કર્મચારીઓએ સેવાસદનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે માંગેલી પરવાનગીને મંજૂર કરી છે. જોકે યુનિ.એ ચૂંટણી જીતનારા ઉમેદવારને નોકરી છોડવી પડશે તેવી શર્ત પણ મૂકી છે.

આર્ટ્સ ફેકલ્ટીમાં સેકન્ડ ઇયર અને થર્ડ ઇયર બીએમાં પ્રવેશના મુદ્દે ચર્ચા તો કરી પણ કોઇપણ નિર્ણય લેવાની જગ્યાએ વિદ્યાર્થી સંગઠનો સાથે બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત સિન્ડીકેટની બેઠકમાં સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં બેચલર ઓફ સોશ્યલ વર્ક કોર્સમાં હાલમાં 50 ટકાએ પ્રવેશનો નિયમ સુધારીને 45 ટકાએ પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. સેનેટની ચૂંટણી માટે રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટના નિયમો, પોલીટેકનીકમાં ટીચર્સ માટે કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ, પી.જી.કાઉન્સીલની મીનીટ્સ, હાયર પેમેન્ટ એડવાઇઝરી બોર્ડની મળેલી મીટિંગ, બિલ્ડીંગ, પ્રેસ સુપરવાઇઝ તથા એફ એન્ડ ઇની મિનિટ્સ તથા સાયન્સ ફેકલ્ટીના ચાર રિસર્ચ પ્રોજેકટ તથા ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ફેકલ્ટી સહિત કુલ ~1.5 કરોડની ગ્રાન્ટને મંજૂર કરાઇ હતી. આગામી સેવાસદનની ચૂંટણીમાં ઉભા માંગતા યુનિ.ના પાંચ કર્મચારીઓ વિનોદ પટેલ, મહેશ વસાવા, પરેશ તડવી, હસમુખ રાણા અને રાજેન્દ્ર તડવીને સિન્ડીકેટે મંજૂરી આપી છે. પરંતુ ચૂંટણી જીતતા નોકરી છોડવી પડશે તેવી શર્ત લાગુ કરી છે.

કોમર્સ ફેકલ્ટીના તમામ પી.જી.કોર્સમાં 2 ટકા નવી બેઠકો વધારવાની ફેકલ્ટીના ડીન તરફથી મળેલી દરખાસ્તને સિન્ડીકેટ ફગાવી દીધી હતી. સિન્ડીકેટની બેઠક પૂર્વ ટી.વાય.બીએમાં પ્રવેશના મુદ્દે આર્ટના તમામ વિદ્યાર્થી સંગઠનોએ દેખાવો યોજ્યા હતા.શૈક્ષણિક સંઘે પણ વેકેશન વહેલા પૂર્ણ કરવા શિક્ષકોને રજાનો લાભ આપવા તેમજ અન્ય પડતર પ્રશ્નો વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી હતી.

વોકલ ડિપા.માં હાયર પેમેન્ટની બેઠકો

એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં વોકલ ડિપાર્ટમેન્ટમાં ચાલુ વર્ષે પ્રવેશ માટે ધસારાને જોતાં યુનિ.ના તંત્રે વોકલ ડિપાર્ટમેન્ટમાં હાયર પેમેનન્ટની બેઠકો વધારવાની વિચારણા હાથ ધરી છે. હાયર પેમેન્ટની બેઠકોના સંદર્ભમાં આજે સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા પણ હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વોકલમાં માંડ પ્રવેશ માટે 200 ફોર્મ પ્રવેશ ભરાયા હતા. જ્યારે ચાલુ વર્ષે 400 ફોર્મ ભરાયા છે.

સિન્ડિકેટનો નિર્ણય : સોશ્યલવર્ક ફેકલ્ટીમાં 45%એ પ્રવેશ