• Gujarati News
  • National
  • PMની સભામાં દાવેદારોને મહત્ત્વ અપાતાં નારાજગી

PMની સભામાં દાવેદારોને મહત્ત્વ અપાતાં નારાજગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદની સભામાં સંગઠનના હોદેદારોની બાદબાકી

રવિવારેઆમોદ ખાતે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાના મંચ પર ત્રણે બેઠકોના વિધાનસભાની ચૂંટણીના દાવેદારોને સ્થાન આપવામાં આવ્યું હતું. જેથી કાર્યકરો, આગેવાનો તેમજ તાલુકા-જિલ્લા સંગઠનના હોદ્દેદારોમાં અસંતોષ ભભૂકી ઉઠ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાના મંચ ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ સહિત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોને સ્થાન આપવામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ સભાના મંચ ઉપર પ્રદેશ નેતાગીરી અને જિલ્લા ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે દાવો કરનારા આગેવાનોને પણ તેમની પક્ષ પ્રત્યેની નારાજગીથી ડરી જઇ સ્થાન આપ્યું હતું. ઉમેદવારોની જાહેરાત બાદ ભરૂચ, વાગરા અને જંબુસરમાં ભભૂકી ઉઠેલા અસંતોષને ઠારવામાં નિષ્ફળ ગયેલી પ્રદેશ અને જિલ્લા નેતાગીરીએ વડાપ્રધાનના ભાષણમાં દાવેદારોનાં નામ પણ બોલાવડાવ્યાં હતાં. જ્યારે મંચ ઉપર જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને આમોદ તાલુકા સંગઠનના હોદ્દેદારોની બાદબાકી કરી દેવાઇ હતી. જેથી ચૂંટણી માટેના દાવેદારોને વડાપ્રધાનના કાર્યક્રમમાં અપાયેલા મહત્ત્વથી જિલ્લા-તાલુકા ભાજપ સંગઠનમાં નારાજગી વ્યાપી છે.

આમોદની જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાની વિધાનસભાની 5 પૈકી 4 બેઠકોના ઉમેદવારોની જાહેરજનતા સમક્ષ ઓળખ કરાવવાનો નવતર પ્રયોગ કર્યો હતો. વડાપ્રધાન એક પછી એક ઉમેદવારોનાં નામો બોલતા ગયા હતા તેમ તેમ ઉમેદવારો તેમની બેઠક પરથી ઊભા થઇ વડાપ્રધાનની બાજુમાં કમળ ચિહ્ન સાથે ઊભા રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...