• Gujarati News
  • National
  • દશરથ પાસે 2 લૂંટારુ ચાલકને ફટકારી રિક્ષા, રોકડ અને મોબાઇલ લૂંટી ગયા

દશરથ પાસે 2 લૂંટારુ ચાલકને ફટકારી રિક્ષા, રોકડ અને મોબાઇલ લૂંટી ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરથીમુસાફરના સ્વાંગમાં બેઠેલા બે અજાણ્યા શખ્સોએ મંગળવારે રાત્રે 8:30 વાગ્યાના સુમારે સોખડા રોડ દશરથ ગામની સીમમાં રિક્ષા ચાલકને માર મારી રિક્ષા, રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ્લે ~39,800 નો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા છે.

પોર ગામમાં રહેતા અને રિક્ષા ચલાવતા વાલજીભાઇ ભગાભાઇ પરમાર મંગળવારે સાંજે પોર બસ સ્ટેન્ડ પાસે મુસાફરોની રાહ જોઇને ઊભા હતા. તે સમયે અંદાજે 22 અને 28 વર્ષની ઉંમરના બે અજાણ્યા યુવાનો રિક્ષા પાસે આવી ઊભા રહ્યા હતા અને રિક્ષા ચાલકને સિમડી ગામ જવાનું જણાવી ભાડું નક્કી કરીને રિક્ષામાં બેઠા હતા.

બન્ને ચાલકને સિમડી લઇ ગયા બાદ દુમાડ રોડ અને ત્યાંથી જીએસએફસી થઇ સોખડા ગામ તરફ લઇ ગયા હતા. દશરથ ગામની સીમમાં મારો કૂવો છે તેમ કહી રાત્રે લગભગ 9-30 વાગ્યાના સુમારે સોખડાથી દશરથ કેનાલ તરફ લઇ ગયા બાદ બંનેએ રિક્ષા ચાલક વાલજીભાઇને માર મારી ~4,000 રોકડા, ~300નો વકરો, મોબાઇલ અને ~35,000ની કિંમતની રિક્ષા મળી ~39,800નો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા. મોડી રાત્રે આજોડ થઇ પગપાળા છાણી પોલીસ મથકમાં આવી રિક્ષા ચાલક વાલજીભાઇએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે અજાણ્યા શખ્સો ગુજરાતી ભાષા બોલતા આદિવાસી હોવાનું જણાવ્યું છે. છાણી પોલીસે બે અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી પીએસઆઇ બારિયાએ તપાસ હાથ ધરી છે.

રિક્ષાચાલકે મોડી રાત્રે ચાલતા જઈ છાણી પોલીસને જાણ કરી

પોરથી મુસાફરના સ્વાંગમાં રિક્ષા ભાડે કરી હતી

અન્ય સમાચારો પણ છે...