તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લગ્ન પ્રસંગે જાનૈયાઓ સાથે અકસ્માત સર્જાતાં પથ્થરમારો

લગ્ન પ્રસંગે જાનૈયાઓ સાથે અકસ્માત સર્જાતાં પથ્થરમારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરવામધુનગર કરોડિયા રોડ પર સ્થાનિકને જાનૈયાઓ સાથે બાઇક ભટાકાતાં થયેલી બોલાચાલી બાદ મામલો બિચકતાં શુકુન બંગ્લોઝ સ્થિત લગ્ન પ્રસંગમાં તેના પ્રત્યાઘાત પડ્યા હતા. બંને પક્ષનાં જૂથો સામસામે આવી જઇ 50થી 60ના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કારના કાચ તોડી, લગ્ન મંડપમાં ખુરશીઓ ઉછાળતાં પ્રસંગમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. ગોરવા પોલીસે બંને પક્ષના 50 થી 60ના ટોળા સામે ગુનો નોંધી 4 સગીર સહિત 21 તોફાનીઓની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી છે.

ગોરવાના મધુનગર કરોડિયા રોડ પરના શુકુન બંગ્લોઝમાં રહેતા અનુપસિંહ છત્રસિંહ રાઠોડ જીએસીએલ કંપની પ્યૂન તરીકે ફરજ બજાવે છે. તેમની સોસાયટીમાં રહેતા પપ્પુભાઇના સંબંધીનું શનિવારે લગ્ન હોવાથી પ્રસંગોપાત્ત રહેવા આવ્યા હતા. રાત્રે 10 વાગ્યાના સુમારે નવાયાર્ડમાંથી જાન આવી હતી. સોસાયટીના આરીફ ઇનાયત રાઠોડ, આશીફ, સફો, અબ્દુલ અને અખતર રોડ પર ઊભા હતા ત્યારે જાનૈયા સાથે બાઇક ભટકાવતાં બાબતે ઝઘડો થયો હતો. જાનમાં આવેલા એક શખ્સે તેને લાફા ઝીંકી દેતાં મામલો બિચક્યો હતો.

દરમિયાન બૂમાબૂમ થતાં મધુનગર(બોરિયા-2) અને નવાયાર્ડના જાનૈયાઓના 50થી 60નાં ટોળાં સામસામે આવી જતાં મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ લગ્ન પ્રસંગમાં લાવેલી પ્લાસ્ટિકની ખુરશીઓ ઉછાળી કંપાઉન્ડનાં ફૂલઝાડ તોડ્યાં હતાં. ત્યારબાદ પથ્થરમારો કરી ઇબ્રાહીમ સિંધાની કારના કાચ તોડ્યા હતા તેમજ અન્ય ટુ વ્હીલર પણ ઊંધાં પાડી દીધાં હતાં. સ્થાનિકો છોડાવવા જતાં ચિચિયારીઓ પાડી ટોળાએ ઉશ્કેરણી કરી હતી. હુમલામાં આસીફ રાઠોડ, ફિરોજ દીવાન, આશિષ સીસોદિયા અને આશીફશા દીવાનને ઇજા થઇ હતી. પથ્થરમારાના પગલે લગ્ન પ્રસંગના જમણવારમાં દોડધામ થઇ ગઇ હતી. ટોળું બેકાબૂ બનતાં ગોરવા પોલીસે સ્ટાફ દોડી જઇ સ્થિતિ કાબૂમાં લીધી હતી.

સામા પક્ષે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ નવાયાર્ડ ખાતે રહેતા વેપારી આકીલ પઠાણે ફરિયાદ કરી હતી કે, આશીફ પપ્પુ પઠાણ અને રાશીદ પઠાણનું લગ્ન હોવાથી વરઘોડામાં શુકુન સોસાયટી જવા નીકળ્યા હતા. વળાંક પર બેઠેલા 4 થી 5 છોકરાઓને જાનૈયા સાથે બાઇક અથડાવવાના મુદ્દે ઝઘડો થયો હતો. અા સમયે સોસાયટીમાંથી 50થી 60 જણના ટોળાએ ધસી જઇ જાનૈયાઓને માર માર્યો હતો. ટોળાએ પથ્થરમારો કરતાં આકીલ, ઝુબેર પઠાણ સહિત 5થી 6 જણને ઇજા થઇ હતી.

પથ્થરમારાની ઘટના સંદર્ભે પોલીસે બંને જૂથના 50થી 60 જણના ટોળા સામે ગુનો નોંધી 4 સગીર સહિત 21‌ જણની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છેે. પોલીસે ઘટનાસ્થળે ચંાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

શુકુન બંગ્લોઝમાં યોજાયેલાં લગ્ન પ્રસંગે જાનૈયાઓ સાથે બાઈક અથડાતાં નજીવી વાતે ધિંગાણું થતાં પથ્થરમારો અને તોડફોડ થઈ હતી.

ટોળા સામેે ફરિયાદ, 4 સગીર સહિત 21 જણાંની અટકાયત

ગોરવાના શુકુન બંગ્લોઝમાં બબાલ થતાં દોડધામ

ધિંગાણા બાદ ગભરાઈ ગયેલા જાનૈયાઓ મકાન-કંપાઉન્ડ વોલ પાછળ સંતાઈ ગયા

બાઇકઅકસ્માતના મુદ્દે થયેલા ધિંગાણામાં સ્થાનિકોનાં ટોળાં અને જાનૈયાઓ વચ્ચે પથ્થરમારો થતાં લોકોમાં ભાગદોડ થઇ ગઇ હતી. ટોળાએ વાહનોની તોડફોડ કરી લગ્ન મંડપમાં ખુરશીઓ ઉછાળતાં પ્રસંગમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. કેટલાય જાનૈયાઓ તો મકાનો અને કંપાઉન્ડ વોલમાં સંતાઇ ગયા હતા. ગોરવા પોલીસના સ્ટાફ સહિત નજીકના પોલીસ સ્ટેશનના કાફલાએ સ્થળ પર દોડી જઇ સંતાયેલા લોકોને બહાર કાઢી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...