• Gujarati News
  • ફતેપુરાનાં કોમી તોફાનોમાં પોલીસના દંડાનો નિર્દોષ ભોગ ના બને : ભાજપ

ફતેપુરાનાં કોમી તોફાનોમાં પોલીસના દંડાનો નિર્દોષ ભોગ ના બને : ભાજપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરાનાંકોમી તોફાનોના પડઘા હજી શાંત થતા નથી.સાચા તોફાનીને પકડવામાં નિષ્ફળ ગયેલી પોલીસ પોતાની કાર્યવાહી પૂરી કરવા માટે નિર્દોષને સમન્સ મોકલી પરેશાન કરી રહી છે, તેમજ પાસા અને તડીપાર જેવી કાર્યવાહી શરૂ કરી છે, તેવી રજૂઆત સ્થાનિકોએ ભાજપની નેતાગીરી સામે કરતાં એક પ્રતિનિધિમંડળે પો.કમિ.ઈ રાધાક્રિષ્ણનને મળી રજૂઆત કરી હતી. જે અંગે તેમણે પોલીસની કાર્યવાહી નિષ્પક્ષ અને પ્રમાણિક હશે તેવી ખાતરી આપી હતી.

તોફાનના પ્રથમ દિવસથી પોલીસ સામે આક્ષેપ થઈ રહ્યા છે, કે પોલીસ તોફાનીને શોધી શકતી નથી અને નિર્દોષને મારમારી રહી છે. ઉપરાંત સામાન્ય પથ્થરમારાના કેસમાં પણ પાસાનો ઉપયોગ કરી રહી છે. તાજેતરમાં પોલીસે કેટલાંક સ્થાનિકોને સમન્સ પાઠવી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.જેના સંદર્ભમાં સ્થાનિકો દ્વારા ભાજપની નેતાગીરી સામે રજૂઆત થતાં, ભાજપના શહેર પ્રમુખ ભરત ડાંગર, ધારાસભ્ય મનીષા વકીલ અને પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા રાધાક્રિષ્ણનને મળ્યા હતા. તેમણે તેમના વિસ્તારમાંથી મળેલી ફરિયાદની રજૂઆત કરી નિર્દોષો સામે કાર્યવાહી થાય તેની તકેદારી રાખવા વિનંતી કરી હતી.

રાધાક્રિષ્ણને તેમની રજૂઆત સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી, કાયદેસરની કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું હતું.

નિર્દોષ દંડાય તેની રજૂઆત કરી હતી

^સ્થાનિકો તરફથી જે રજૂઆત આવી હતી, તેને લઈ પોલીસ કમિશનરને મળ્યા હતા. ગુનેગારને સજા થાય અને નિર્દોષો દંડાય નહીં તેવી રજૂઆત હતી. > મનીષાવકીલ, ધારાસભ્ય

ભાજપના નેતા અંગત કામે આવ્યા હતા

^ભાજપનાનેતાઓ મારી પાસે આવ્યા હતા, તે વાત સાચી છે, પણ તે કોમી તોફાનોના સંદર્ભમાં કોઈ રજૂઆત કરવા આવ્યા ન્હોતા, પણ તેઓ અંગત કામે આવ્યા હતા. > રાધાક્રિષ્ણન,CP

‘અમને આત્મવિલોપનની મંજૂરી આપો’

પોલીસઅત્યાચારનોઆશરો લઈ ગુનો કબૂલ કરવાની ફરજ પાડી રહી છે, તેવા સંજોગોમાં અમને આત્મવિલોપન કરવાની મંજૂરી આપવામાં આવે તેવા મતલબની એક અરજી રાજ્ય માનવ અધિકાર પંચ સામે થઈ છે. ગોપાલ પાટે સહિતના સાત અરજદારોએ માનવ અધિકાર પંચ સામે કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે ફેતપુરામાં મહાદેવના મંદિરમાં તૂટેલી ભગવાનની મૂર્તિ તેમના દ્વારા તોડવામાં આવી હતી, તેવી ખોટી કબૂલાત કરાવવા માટે પોલીસે તેમને ઢોર માર માર્યો હતો.