• Gujarati News
  • વિઠ્ઠલનાથજીની ભર વરસાદે 205મી નગરયાત્રા

વિઠ્ઠલનાથજીની ભર વરસાદે 205મી નગરયાત્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાંસોમવારે ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરથી દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાજીનો 205 મો વરઘોડો મેઘાભિષેક સાથે યોજાયો હતો. વરઘોડાના રૂટ પર ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો તેમ છતાં ચાંદીના રથમાં આરૂઢ થઇને નગરજનોને દર્શન આપવા નીકળેલા ભગવાનના રથને ખેંચવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં. વિઠ્ઠલ...વિઠ્ઠલ..વિઠ્ઠલાની ધૂન અને જયઘોષ સાથે ભગવાનનો વરઘોડો તેના નિયત માર્ગે આગળ વધતાં શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ધાર્મિક માહોલ સર્જાયો હતો.

શહેરના માંડવી વિસ્તાર સ્થિત ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતે સવારે 9 કલાકે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ અને રાજવી મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ તેમજ મેયર ભરત શાહે શ્રીનું પૂજન-અર્ચન અને મહાઆરતી કરી હતી. ત્યારબાદ સવારે 10 કલાકે ભગવાનને ચાંદીના રથમાં આરૂઢ કરાવી 205 મા વરઘોડાનો રંગચંગે પ્રારંભ થતાં વિઠ્ઠલનાથજીના જયનાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. વરઘોડો ઘડિયાળી પોળ પાસે પહોંચતાં મેઘરાજાનું આગમન થતાં રથને પ્લાસ્ટિકથી કવર કરી દેવાયો હતો.

ભગવાનના વરઘોડાના પ્રારંભ બાદ મેઘરાજાનું આગમન થયા બાદ શ્રદ્ધાળુઓએ વરસાદની પરવા કર્યા વિના મેઘાભિષેક સાથે ભગવાનના રથને ખેંચવા ઉત્સાહ દાખવ્યો હતો. બેન્ડ-વાજા દ્વારા રેલાવાતાં ભક્તિ ગીતો તેમજ ભજન મંડળીઓનાં કીર્તન સાથે વરઘોડો તેના નિયત માર્ગે આગળ વધતાં માર્ગમાં ઠેરઠેર વરઘોડાની પ્રતીક્ષા કરતાં શ્રદ્ધાળુઓ ભગવાનનાં પૂજન-અર્ચન-દર્શન કરી ધન્ય બન્યાં હતાં. ભક્તોએ ભગવાનના રથને ખેંચવાનો પણ લ્હાવો લીધો.

વરઘોડો બપોરે 1 વાગે કીર્તિમંદિરના પ્રાંગણમાં પહોંચ્યો હતો. જ્યાં હરિ અને હરનું મિલન કરાવાયું હતું. મહાદેવ મંદિર ખાતે વેદમંત્રોના ગાન સાથે શ્રી નું પૂજન-અર્ચન કરાયું હતું. જ્યાં વિરામ બાદ બપોરે 2 કલાકે વરઘોડો પરત નીકળી તેના નિયત માર્ગ પરથી પસાર થઇ સાંજે 5 કલાકે નિજ મંદિર પહોંચ્યો હતો.

મેઘાભિષેક | ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શને શહેરના તમામ વર્ગના શ્રદ્ધાળુ ઉમટ્યાં