• Gujarati News
  • National
  • પ્રો. અકીલ સામેની તપાસ કમિટીની 13મીએ બેઠક

પ્રો. અકીલ સામેની તપાસ કમિટીની 13મીએ બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.નીફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં સ્કલ્પ્ચરને પૂર્વ અધ્યાપકની પરવાનગી વગર બારોબાર આર્ટ ગેલેરીને વેચી દેવાના પ્રકરણમાં નિમાયેલી તપાસ કમિટીની 13મીએ ફાઇનલ બેઠક યોજાશે. તપાસ કમિટી 13મીએ તૈયાર થયેલા રિપોર્ટના સંદર્ભમાં ચર્ચા કરીને પ્રો. અકીલ અહેમદને નોકરીમાંથી છૂટા કરવા તથા પોલીસ ફરિયાદ કરવા સુધીનાં પગલાં ભરવાનો નિર્ણય લેશે.

ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં સ્કલ્પ્ચરને ચોરીને પૂર્વ અધ્યાપક અને જાણીતા આર્ટિસ્ટ પ્રો.ધ્રુવ મિસ્ત્રીની લેખિત ફરિયાદ બાદ યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસે સિન્ડિકેટ સભ્ય મુકુંદ શાહના કન્વીનર પદે તપાસ કમિટીની રચના કરી હતી. પ્રોફેસર અકીલ અહેમદે પણ પોતે ગુનાની કબૂલાત કરીને જાણીતા આર્ટિસ્ટ પ્રો. ધ્રુવ મિસ્ત્રી અને પ્રો.જ્યોતિ ભટ્ટના સ્કલ્પ્ચરને તપાસ કમિટી સમક્ષ જઇને પરત કર્યાં હતાં. તપાસ કમિટી સમક્ષ સ્કલ્પ્ચરને પરત કર્યા બાદ પ્રો.અકીલે વિવાદને વકરતો જોઇને સ્વૈચ્છિક રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. રાજીનામાની રજૂઆત તેમણે શિક્ષાત્મક કાર્યવાહી અને પોલીસ ફરિયાદથી બચવા માટે કરી હોવાનું બહાર આવતાં તપાસ કમિટીએ અધ્યાપકો-કર્મચારી અને પ્રો. ધ્રુવ મિસ્ત્રીની ફરિયાદ-જવાબો નોંધ્યા બાદ તૈયાર કરી દીધો છે. જોકે પ્રો.જ્યોતિ ભટ્ટનું આખરી નિવેદન બાકી હોઇ તેમજ ખુદ કમિટીના કન્વીનર મુકુંદ શાહ વિદેશ જતાં કમિટીએ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરીને વીસીને સોંપવાનું ટાળ્યું હતું. પરંતુ હવે તપાસ કમિટીના કન્વીનર મુકુંદ શાહ વિદેશથી ગઇકાલે પરત ફર્યા છે અને તેમણે આજે મેમ્બર સભ્ય મયંક વ્યાસને ફોન કરીને કમિટીની એક-બે દિવસમાં મીટિંગ બોલાવીને ફાઇનલ રિપોર્ટ લખીને વીસીને સોંપવાની પેશકશ કરી હતી. જોકે મયંક વ્યાસ સહિતનો સ્ટાફ ડોનર્સ કેટેગરીની ચૂંટણીમાં વ્યસ્ત હોઇ 13મીએ ફાઇનલ બેઠક બોલાવીને રિપોર્ટ લખવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રો. અકીલ અહેમદ વિરુદ્વના ફાઇનલ રિપોર્ટ અંગે તપાસ કમિટીના કન્વીનર મુકુંદ શાહે જણાવ્યું હતું કે, રિપોર્ટ મોટેભાગે તૈયાર છે. માત્ર પ્રો. જ્યોતિ ભટ્ટનું નિવેદન નોંધવાનું બાકી છે, જેને 13મી પહેલાં પૂર્ણ કરી દેવાશે.

પ્રો. અકીલ અહેમદને નોકરીમાંથી છૂટા કરાશે

ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં સ્કલ્પ્ચર ચોરી પ્રકરણ

અન્ય સમાચારો પણ છે...