• Gujarati News
  • National
  • ઉત્તરાયણમાં 31ના જીવ બચાવનાર 108ના 40 કર્મીનું સન્માન

ઉત્તરાયણમાં 31ના જીવ બચાવનાર 108ના 40 કર્મીનું સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્વાસોશ્વાસની બીમારીથી પીડાતા એક માસના બાળકને નવજીવન બક્ષનાર અને ગત ઉત્તરાયણના બે દિવસમાં 31 લોકોના જીવ બચાવનાર 108 એમ્બ્યુલન્સની બે ઇ.એમ.ટી. સહિત 108 એમ્બ્યુલન્સમાં સરાહનીય કામગીરી કરનાર 40 કર્મચારીઓનું આજે મધ્ય ગુજરાત 108 જી.વી.કે. અને ઇ.એમ.આર.આઇ. દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

એક માસના નવજાત બાળકને નવજીવન બક્ષનાર ઇ.એમ.ટી. પલક વાળંદે જણાવ્યું હતું કે, આઠ જાન્યુઆરીનો દિવસ આજે પણ યાદ છે. સાંજનો 5-30 વાગ્યાનો સમય હતો. અમે સાવલી લોકેશન ઉપર હતા. દિપીકાબહેન પરમાર નામની મહિલાનો રડમસ અવાજમાં કોલ આવ્યો કે, મારા પુત્રથી શ્વાસ લેવાતો નથી. બહુ રડે છે. તબિયત સારી નથી. તમે જલદી આવો, નહીં તો મારો પુત્ર મરી જશે. મેં ફોન કરનાર બાળકની માતાને જણાવ્યું કે, તમે ચિંતા કરશો નહીં. તમે ફાઇલ તૈયાર રાખો. અમે આવીએ છીએ. ગણતરીની મિનિટોમાં અમે સ્થળ પર પહોંચી ગયાં હતાં.

ઇ.એમ.ટી. પલકે વધુમાં જણાવ્યું કે, દિપીકાબહેનના ઘરે પહોંચ્યાં ત્યારે તેઓ પોતાના સંતાનની પાસે બેસીને રડતાં હતાં. તુરંત જ અમે માતા-પુત્રને એમ્બ્યુલન્સમાં બેસાડી દીધાં અને બાળકની પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી. તે સાથે મેં ગોત્રી જનરલ હોસ્પિટલના ફિઝિશિયન ડો. ધ્રુવેશનો ફોન ઉપર સંપર્ક કર્યો અને બાળકની સ્થિતિની જાણ કરી. ડોક્ટરે ફોન ઉપર આપેલી સૂચના મુજબ સાવલીથી હોસ્પિટલ સુધી પહોંચતાં સુધી પ્રાથમિક સારવાર આપતી રહી હતી.

આજે મધ્ય ગુજરાત 108 જી.વી.કે. ઇ.એમ.આર.આઇ. દ્વારા વડોદરા સર્કિટ હાઉસ ખાતે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં 40 ઇ.એમ.ટી., પાઇલોટ સહિત અન્ય સહાયકોનું સન્માન કરીને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખિલખિલાટના અજય પુરાણી તેમજ દાહોદ 108ના પ્રોગ્રામ મેનેજર યોગેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

ભાસ્કર િવશેષ
ઉત્તરાયણના બે દિવસ દરમિયાન 31 લોકોના જીવ બચાવનાર અલકા રાઉલજીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણના બે દિવસના ઉત્સવમાં લોકો ઉત્સાહના અતિરેકમાં પોતાનું ભાન ભૂલી જતા હોય છે. અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન દોરીથી ગળુ કપાવવાના તેમજ ટેરેસ ઉપરથી પડી જવાના કારણે ગંભીર ઇજા પામેલા 31 લોકોને મારા પાયલટ ભુપેન્દ્ર ગોહિલની મદદથી જીવ બચાવ્યા છે. તેનું મને ગર્વ છે. આ કામગીરી માટેજ આજે મને એવોર્ડ આપવામાં આવ્યો છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે, આ નોકરીથી મને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...