• Gujarati News
  • National
  • પરિવારજનોના માથે એક ચિંતા પુત્ર જ્યારે કોમામાંથી બહાર આવશે ત્યારે પિતા અંગે શું કહેવું ?

પરિવારજનોના માથે એક ચિંતા - પુત્ર જ્યારે કોમામાંથી બહાર આવશે ત્યારે પિતા અંગે શું કહેવું ?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
72વર્ષના હિતેશભાઈ ભૂપતાણી અકસ્માતમાં ઘાયલ પુત્ર ભાવેશને મૃત જોવો પડે તે માટે જાતે સંસાર છોડીને સ્વધામ પહોંચી ગયા છે. બ્રેઈન હેમરેજનો ભોગ બનેલા ભાવેશ માટે ડૉક્ટરે 72 કલાક ક્રિટીકલ ગણાવ્યા હતા. ડૉક્ટરો અને સંબંધીઓ ચિંતામાં છે કે કટોકટીમાં ઝઝૂમી રહેલો ભાવેશ બચશે કે કેમ? અને બચશે તો પિતાના આપઘાતનો આઘાત જીરવી શકશે?

ભાવેશે પિતાથી સાવ જુદી દિશા લેવાનો નિર્ણય કર્યો હતો. પિતા અાર્યુવેદિક ડોક્ટર હતા પણ ભાવેશે નક્કી કર્યું હતું કે આર્યુવેદિક ડોક્ટર નહિ બને, પિતાની મદદ નહિ લે. એણે પોતાની કેલીબ્રેશન લેબ શરૂ કરી હતી. પિતા હિતેશ ભૂપતાણીને પુત્રની પ્રગતિ જોઇને આનંદ થતો. છોડ વડલાના પડછાયામાંથી બહાર નીકળે ત્યારે સૌથી વધુ આનંદ વડલાને થતો હોય છે.

રોજ સવાર પડે અને માંજલપુરમાં રહેતા પિતા-પુત્ર ઘરની બહાર નીકળતા અને જુદી-જુદી દિશામાં ફંટાઇ જતાં, 72 વર્ષના પિતા હિતેશભાઇ ભૂપતાણી દવાખાના ભણી જતાં અને 40 વર્ષીય પુત્ર ભાવેશ લેબોરેટરી ભણી જતો. સાંજ પડતા બંને પાછા ઘરે પાછા ફરતા. શુક્રવારે સાંજે ભૂપતાણી પરિવારને 108માંથી કોલ આવ્યો. ભાવેશના સ્કૂટરને કોઇકે ટક્કરે મારી છે અને અકસ્માતમાં ભાવેશને માથામાં ઇજા થઇ છે. લોહી નીકળતી અવસ્થામાં ભાવેશને ગ્લોબલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ડોક્ટરોનું નિદાન હતું બ્રેઇન હેમરેજ. તિરાડ દિકરાના મગજમાં પડી હતી પણ પિતાનું તો આખુ દિલ તૂટી ગયું હતું. ડોક્ટરોએ ઝડપભેર ઓપરેશન હાથ ધર્યું. હાર્ટ મોનિટર પર ભાવેશની જિંદગીનો ગ્રાફ ઉપરનીચે થઇ રહ્યો હતો. પિતાના ધબકારા વધી રહ્યા હતાં. આકરી જહેમત બાદ ડોક્ટરોએ હાથ હેઠે મૂક્યા, એમનું ઓપરેશન ફેઇલ થઇ ગયું હતું. ભાવેશની હાલત સતત કથળી રહી હતી. ડોક્ટરોએ ભાવેશ માટે 72 કલાક ક્રિટીકલ હોવાનું જણાવી દીધું. મેડિકલ સાયન્સ પીછેહઠ કરી ગયું હતું પણ પિતાનું વાત્સલ્ય હાર માનવા તૈયાર નહોતું.

રાત્રે પિતા હિતેશભાઇએ દીકરાની હાલત જોઇ. હાર્ટ મોનિટર પર લીલી લાઇટ ઉપર નીચે થઇને કોઇ જુદો ગ્રાફ બતાવી રહી હતી. આર્યુવદિક ડોક્ટર હિતેશભાઇ ગ્રાફ જોઇ રહ્યા હતાં અને પિતા હિતેશભાઇ દીકરાની દિશાનો અંદાજ માંડી રહ્યા હતાં. એમને સમજાઇ ગયું હતું કે દીકરો ફરી કોઇ જુદી દિશામાં આગળ વધી રહ્યો હતો. પિતાઅે એક નિર્ધાર કરી લીધો , એક મક્કમ નિર્ધાર. મરેલા દિકરાનું મોઢુ નહિ જોઉ કહી તે હોસ્પિટલમાંથી નીકળી ગયા. શનિવારે સવારે રેલવે પોલીસને રાબેતા મુજબનો સંદેશો મળ્યો, રાબેતા મુજબ પોલીસ ઘટના સ્થળે પહોંચી, રાબેતા મુજબ પોલીસે તપાસ હાથ ધરી.

...અનુસંધાન પાનાં નં.16

ટ્રેનની અડફેટે આવીને ક્ષતવિક્ષત થઇ ગયેલા શરીરને જોઇને ચોપડામાં લખ્યું અનનોન ’. જે દિશામાં દીકરો ‘રોડ માર્ગે આગળ વધી રહ્યો હતો દિશામાં પિતા ‘રેલવે માર્ગે’ આગળ વધી ગયા હતાં અને રસ્તા પરના વાહનો કરતા રેલવે વધુ ઝડપથી ‘અંતિમ પડાવ’ પર પહોંચતી હોય છે.

પોલીસે ખિસ્સા ફંફોસ્યા દીકરીનું વિઝટીંગ કાર્ડ મળ્યું. દીકરીને જાણ કરાઇ. કન્યા વિદાયના પ્રસંગે બાપ દીકરીની ઓળખ હોય છે. પિતૃ વિદાયનો પ્રસંગ હતો અને દીકરી બાપની ઓળખ બની હતી. ડોક્ટરોએ આપેલા 72 કલાકની મુદ્દત પૂરી થવાને હજુ વાર હતી પણ પિતાએ પોતાની મુદ્દત પૂરી કરી દીધી હતી. હિતેશભાઇએ આખી જિંદગી પરિવારનો ભાર પોતાના મજબૂત ખભા ઉપર ઉંચકી લીધો હતો પણ કોઇ પિતાના ખભા એટલા મજબૂત નથી હોતા કે અંતિમ યાત્રા તરફ આગળ વધતા દિકરાનો ભાર ઉંચકી શકે. હવે પરિવારજનોને ચિંતા છે કે જો ભાવેશ બચી જાય તો તેને પિતા કઇક દિશામાં ગયા છે તે અંગે શું કહેવું .

40 વર્ષીય પુત્રને ક્રિટિકલ જોઈ પિતા હોસ્પિટલથી ઘરે આવ્યા, સવારે કોઈને ખબર પડે તે રીતે ટ્રેન નીચે પડતું મૂકી જીવ આપી દીધો

ડૉક્ટરોએ કહ્યું, તમારા પુત્ર માટે 72 કલાક ક્રિટિકલ છે, પુત્રનું મરેલું મોં ના જોઉં, કહીને 72 વષીય પિતાએ પોતે મોતને વ્હાલું કર્યું

અન્ય સમાચારો પણ છે...