Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જુગારની લતના કારણે શ્વેતાંગની પત્ની પણ તેને છોડીને જતી રહી
સતત10 વર્ષથી જુગારમાં લાખોની રકમ હારી ગયા બાદ વાહન ચોરીના રવાડે ચડી ગયેલા શ્વેતાંગ આહિરે નામના શખ્સને રાવપુરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો. શ્વેતાંગ પાસેથી ચોરીનાં ત્રણ બાઇક મળી આવ્યાં હતાં. જુગારની લતે ચડેલા શ્વેતાંગની હરકતોથી પરેશાન થયેલી તેની પત્ની પણ તેને છોડીને જતી રહી હતી. રાવપુરા પોલીસે તેની વધુ પુછપરછ શરૂ કરી હતી.
ડીસીપી આર.એસ.ભગોરા અને એસીપી પ્રદીપસિંહ જાડેજાની સૂચના મુજબ રાવપુરા પીઆઇ એફ.કે.જોગલ અને તેમના સ્ટાફે વધી ગયેલી વાહન ચોરીના મામલે તપાસ શરૂ કરી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ક્વોર્ડના પીએસઆઇ એચ.એમ.વ્યાસને બાતમી મળી હતી કે શ્વેતાંગ દલપત આહિરે (રહે, મચ્છીપીઠ)નામના શખ્સ પાસે ચોરીનું મોપેડ છે, જેના આધારે પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.
કાલાઘોડા સર્કલ પાસે પીએસઆઇ વ્યાસ અને હે.કો કેસરીસિંહ સહિતના સ્ટાફે હનુમાનજી મંદિર પાસે છૂટાછવાયા ઊભા રહીને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં શ્વેતાંગ આહિરે રાત્રે સાડા દસ વાગ્યે ચોરીના એક્સેસ મોપેડ સાથે ઝડપાઇ ગયો હતો.પોલીસે શ્વેતાંગની પૂછપરછ કરતાં તેણે બે બાઇકની પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને બાઇક કબજે કર્યા હતા. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે શ્વેતાંગને જુગાર રમવાની આદત હતી અને તેમાં તેણે લાખોની મતા ગુમાવી હોવાથી તે વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.
શ્વેતાંગે લોકોને ચૂનો પણ ચોપડ્યો હતો
જુગારમાંરકમ હારી ગયા બાદ પણ જુગારની લત ના છોડી શકેલા શ્વેતાંગે પરિચિતો પાસેથી પૈસા મેળવ્યા હતા અને જુગાર રમવામાં વાપરી કાઢ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પરિચિતો પાસેથી પૈસા મેળવ્યા બાદ ચેક પણ તે આપતો હતો પણ બેલેન્સ ના હોવાના કારણે ચેક રિટર્ન થતા હતા, જેથી શ્વેતાંગ સામે મકરપુરા, સિટી અને નડિયાદ પોલીસ સ્ટેશનમાં ઠગાઇના ગુના પણ નોંધાયેલા છે. કિશનવાડી પોલીસ સ્ટેશનમાં તેની સામે જુગારનો પણ ગુનો નોંધાયેલો છે.
જુગારમાં હારતો રહેતા આખરે વાહન ચોરીના રવાડે ચડયો