• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • કટલરીની દુકાન પર બેઠેલી વહુને ગુજરાતી ખબર ન પડી અને ગ્રાહકો આવતા ઓછા થતાં સાસુ બગડી

કટલરીની દુકાન પર બેઠેલી વહુને ગુજરાતી ખબર ન પડી અને ગ્રાહકો આવતા ઓછા થતાં સાસુ બગડી

ભાસ્કર વિશેષ ઉગ્ર ઝઘડામાં વહુ ઘર છોડીને નિકળી જતાં અભયમે વહુને શોધી કાઢી સાસુ સાથે સમાધાન કરાવ્યું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
કટલરીની દુકાન પર બેઠેલી વહુને ગુજરાતી ખબર ન પડી અને ગ્રાહકો આવતા ઓછા થતાં સાસુ બગડી
બિહારથી નવી નવી પરણીને વડોદરામાં આવેલી વહુ પતિની કટલરીની દુકાને બેસ્યા બાદ ભાષાની સમસ્યાના કારણે ગ્રાહકો દુકાને આવતા ઓછા થઇ ગયા હતા, જેથી સાસુ ગિન્નાઇ હતી અને વારંવાર વહુ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર થઇ જતાં વહુએ ઘર છોડી દીધું હતું. મામલાની જાણ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને કરાતાં અભયમની ટીમે વહુને શોધી કાઢી હતી અને સાસુ-વહુ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

ગોરવા વિસ્તારમાં રહેતી ત્રાહિત વ્યક્તિએ સાસુ-વહુના ઝઘડાના કારણે વહુ ઘર છોડીને જતી રહી હોવા અંગે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરીને જાણ કરી હતી. બનાવની જાણ થતાં અભયમની રેસ્કયુ ટીમ પહોંચી હતી અને તપાસ કરીને વહુને શોધી કાઢી હતી.

અભયમે સાસુ-વહુની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે,બિહારની સરોજકુમારી(નામ બદલ્યું છે)નાં લગ્ન 3 માસ પહેલાં ગોરવા વિસ્તારમાં રહેતા મનોજ(નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. મનોજની ગોરવા વિસ્તારમાં કટલરીના સામાનની દુકાન છે. 3 માસથી સરોજકુમારી વડોદરા રહેવા આવી હતી. દરમિયાન, મનોજની તબિયત બગડતાં કટલરીની દુકાનમાં સરોજકુમારી અને તેની સાસુ કૌશલ્યા (નામ બદલ્યું છે) બેસવા લાગ્યાં હતાં. જોકે સાસુ કૌશલ્યા વર્ષોથી વડોદરામાં રહેતાં હોવાથી તેમને સારી રીતે ગુજરાતી આવડતી હતી પણ સરોજ કુમારી હજુ ગુજરાતી બોલતાં કે સમજતાં શીખી ન હતી.કોઇ ગ્રાહક દુકાને આવે ત્યારે તેની સાથે વાતચીત યોગ્ય રીતે કરી શકતી ના હોવાથી તે ગ્રાહકને જોઇએ તે ચીજ આપી શકતી ન હતી, જેથી દુકાને ધીમે ધીમે ગ્રાહકો આવતા ઓછા થઇ ગયા હતા.ગ્રાહકો ઓછા થઇ જતાં કૌશલ્યા ગિન્નાઇ હતી અને સરોજકુમારી સાથે ઝઘડા શરૂ કર્યા હતા. ઝઘડો ઉગ્ર થઇ જતાં આવેશમાં આવેલી સરોજકુમારીએ ઘર છોડી દીધું હતું. આવેશમાં આવેલી વહુ ઘર છોડીને જતી રહેતાં પાડોશી મહિલાએ અભયમને ફોન કરીને મામલાની જાણ કરી હતી જોકે અભયમે તેને શોધી કાઢી હતી અને ઘેર પરત લાવી કૌશલ્યા અને સરોજકુમારી વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

X
કટલરીની દુકાન પર બેઠેલી વહુને ગુજરાતી ખબર ન પડી અને ગ્રાહકો આવતા ઓછા થતાં સાસુ બગડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App