પોલીસને જોઇ ભાગેલા ખેપિયાની કાર ગટરમાં ખાબકી : દારૂ કબજે
દારૂ ભરેલી કારની બાતમી મળ્યા બાદ એલસીબી પોલીસ કેલનપુર ગામ પાસે શનિવારે રાત્રે વોચમાં હતી, ત્યારે પોલીસને જોઇને ભાગેલી સ્વિફ્ટ કાર રતનપુર ગામના બસ સ્ટેન્ડ પાસે પલટી ગઇ હતી અને સીધી ગટરમાં ખાબકતા કારમાં બેઠેલા ત્રણ શખ્સને ઇજા પહોંચી હતી. પોલીસે તેમની પાસેથી દારૂની 105 બોટલ જપ્ત કરી હતી.
છોટાઉદેપુરથી વડોદરા તરફ દારૂનો જથ્થો ભરેલી એક સ્વિફટ કાર આવી રહી હોવાની બાતમી જિલ્લા એલસીબી પોલીસને મળ્યા બાદ પોલીસે કેલનપુર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન,10-30 વાગ્યે કાર આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કાર ચાલકે પોલીસને જોઇને કાર ભગાવી હતી. પોલીસે પણ કારનો પીછો કરતા રતનપુરના બસ સ્ટેન્ડ પાસે કારના ચાલકે કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની પાસે પલટી ગયા બાદ ગટરમાં ખાબકી હતી. પોલીસે કારમાં રહેલા ત્રણ શખ્સ નગીન દેસીંગ રાઠવા (રહે, બરોજ, છો.ઉ), ફુરસીંગ મનુ રાઠવા (રહે,કાછેલ, છો.ઉ) અને અજય અંબાલાલ રાઠવા (રહે, ઓજડી, છો.ઉ)ને ઇજાગ્રસ્ત હાલતમાં પકડ્યા હતા. તેમની પાસેથી દારૂની 105 બોટલ (કિંમત 37560) મળી આવી હતી.