સકારાત્મક સુધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનાગ્રામીણ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં અનિયમિત રહેતા બાળકો માટેના વિશેષ પ્રયાસો જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે હાથ ધર્યા છે.જેનું સકારાત્મક પરિણામ મળતાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોનો ડ્રોપઆઉટ રેટ 4.63 થી ઘટી 2015-16 માં 1.43 થયો છે.

વડોદરા જિલ્લાના 8 તાલુકાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 1066 શાળાઓ આવેલી છે. ધો.1 થી 8 સુધીની શાળાઓમાં અંદાજે 2.50 લાખ બાળકો અભ્યાસ કરે છે. વર્ષો અગાઉ ખાસ કરીને ધો.5 અને ધો.6 માં વિવિધ કારણોસર પ્રાથમિક શાળાઓમાં બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હતા. જેથી બાળકોનો ડ્રોપ આઉટ રેટ ઊંચો રહેતો હતો. 2008-2009 માં જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 4.63 હતો.

જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 8 વર્ષ અગાઉ 4.63 હોઇ જિલ્લા શિક્ષણ સમિતિએ બાળકોનો લગાવ શાળા પ્રત્યે વધે તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. જે અંતર્ગત સમિતિ દ્વારા શાળાઓમાં બાળકોની અપાતી સુવિધામાં વધારો કરાયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.એમ.એન.પટેલે જણાવ્યું હતું કે, શાળા મેનેજમેન્ટ કમિટિ(એસ.એમ.સી.)માં નાગરિકોને સામેલ કરાયા છે. કમિટીની બેઠકમાં શાળામાં અનિયમિત રહેતા બાળકોની યાદી રજૂ કરી તે અંગે ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ કમિટીના સભ્યો અનિયમિત બાળકોના વાલીને રૂબરૂ મળી શાળામાં મોકલવા સમજાવવાનું કાર્ય કરી રહ્યા છે.જેના ફળસ્વરૂપે રેટ ઘટયો છે.

હવે ધો.8સુધીનું શિક્ષણ ગામમાં ઉપલબ્ધ

^ વર્ષોથી પ્રાથમિક શાળામાં ધો.1 થી 7 ના વર્ગો ચાલતા હતા.પરંતુ સરકારે પ્રાથમિક વિભાગમાં ધો.8 ને સામેલ કરી દીધું છે. જેથી જે ગામોમાં ધો.1 થી 7 ની પ્રાથમિક શાળા હતી અને ધો.8-9-10 ભણવા માટે અન્ય ગામોમાં જવું પડતું હતું તે બંધ થયું છે. હવે ગામની શાળામાં ઉપલબ્ધ થઇ છે. > ડૉ.એમ.એન.પટેલ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી

શાળાઓમાં બાળકોનો ડ્રોપ આઉટ રેટ ઘટ્યો

}શાળા મેનેજમેન્ટ કમિટીમાં અનિયમિત બાળકો અંગે ચર્ચા

}શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્યોની વાલીઓ સાથે મુલાકાત

}‘પ્રજ્ઞા’ કાર્યક્રમ હેઠળ બાળકોમાં ભણવાની રૂચિ વધારવાના કાર્યક્રમો

}અક્ષયપાત્ર યોજનામાં ઉચ્ચ ગુણ‌વત્તાનું ભોજન આપવાનો પ્રારંભ

}શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ બાળકોના આરોગ્યની સંભાળ

}કુપોષિત બાળકોને શ્રેષ્ઠ તબીબી સારવાર

}શિક્ષકોનો વાલી સાથેનો સંપર્ક વધ્યો

ડ્રોપ આઉટ રેટ ઘટવા પાછળના કારણો

અન્ય સમાચારો પણ છે...