SBIનો નંબર હેક કરી 108ના કર્મીના 30 હજાર સેરવી લીધા

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:15 AM IST
Vadodara - SBIનો નંબર હેક કરી 108ના કર્મીના 30 હજાર સેરવી લીધા
ગઠિયાઓ અત્યાર સુધી બેંક અધિકારીના નામથી ફોન કરી એટીએમ-ક્રેડિટકાર્ડના નંબરો જાણી રૂપીયા પડાવતા હતા. પરંતુ હવે સાયબર એક્ષપર્ટ બની ગયેલા ગઠિયાઓ બેંકના નંબરને હેક કર્યા બાદ ખાતેદારને ફોન કરી રૂપીયા સેરવી લેતા હોવાનો કિસ્સો સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો છે. ગઠિયાએ એસબીઆઈના નંબરને માલવેર એટેકથી હેક કરીને 108ના કર્મચારી અમિત પંડ્યાને ફોન કરી તેની સાથે 16 મીનીટની વાતચીત દરમિયાન 30 હજાર રૂપીયા સેરવી લીધા હતા.

પ્રતાપનગરના અમિતભાઇ પંડ્યા 108માં ફરજ બજાવે છે. તેમને બે દિવસ અગાઉ બેન્કના નંબર પરથી જ ફોન આવ્યો હતો, ફોન પર બેન્ક દ્વારા ક્રેડિટ કાર્ડ અંગે સ્કીમ સમજાવાતી હતી. ચાલુ કૉલ દરમિયાન તેમને 3 મેસેજ આવ્યા જેમાં 10-10 હજાર ત્રણ વાર એમ કુલ 30હજાર રૂપિયા કપાઇ ગયા હોવાની વિગત હતી.તેમણે તરત ફોન કાપી નાખતા, તરત તે જ નંબર પરથી ફરી તેમને 4 થી 5 વાર કોલ આવ્યા હતા.જે તેમણે કાપી નાખ્યા હતા અને તરત બેન્ક હેલ્પલાઇન પર ફોન કરીને પોતાનું કાર્ડ બ્લોક કરાવ્યુ હતુ. તેમણે આ અંગે બેન્ક સાથે સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવી છે.

આ સંદર્ભે સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ પી.આઇ. એ.આર ગોહીલે કહ્યુ કે, કોઇ પણ વિગત આપ્યા વિના નાણા કપાયા છે તો બેન્કની ભુલ છે. ફોર્મ ભરીને આ નાણાં પરત મળી જશે. સાયબર ક્રાઇમમાં કમ્પલેન કરવાથી કાંઇ નહિ થાય.

સાયબર એક્સપર્ટ,મયુર ભુસાવલકરે જણાવ્યું હતું કે 15 દિવસમાં એસબીઆઇના કાર્ડમાંથી નાણા ઉપડી જવાનો ચોથો કેસ છે. એસબીઆઇનો ફોન ક્લોન કરીને તેના નંબર પરથી કૉલ કરી આ કાર્ય કરવામાં આ‌વી રહ્યુ છે. આવા કેસમાં 3 થી 90 દિવસમાં બેન્ક નાણા પરત કરવા માટે જવાબદાર છે. જો તેમ ન થાય તો બેન્ક પર પણ કેસ ચાલી શકે છે.

X
Vadodara - SBIનો નંબર હેક કરી 108ના કર્મીના 30 હજાર સેરવી લીધા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી